કિંગ ઑફ પૉપના નામે વિખ્યાત માઇકલ જેક્સનની કેલિફોર્નિયા સ્થિત નેવરલૅન્ડને ઉદ્યોગપતિ રૉન બર્કલેએ ૧૬૧ કરોડ રૂપિયામાં ખરીદી છે. બર્કલેના પ્રવક્તાએ ઇમેલ દ્વારા જણાવ્યું હતું કે ઉદ્યોગપતિએ સેન્ટા બારબરા પાસે લૉસ એલિવોસમાં આવેલી ૨૭૦૦ એકરની મિલકતને લૅન્ડ બેન્કિંગ યોજના અંતર્ગત ખરીદી છે.
વૉલ સ્ટ્રીટ જર્નલેને આપેલા સમાચાર મુજબ આ મિલકત ૨.૨૦ કરોડ અમેરિકન ડૉલરમાં વેચવામાં આવી છે. એમાં ૧૨,૫૦૦ ચોરસફૂટના મુખ્ય મકાન ઉપરાંત ૩૭૦૦ ચોરસફÝટનું પૂલ હાઉસ છે. તથા એક અલગ બિલ્ડિંગ પણ છે જેમાં ૫૦ સીટનું મૂવી થિયેટર અને ડાન્સ સ્ટુડિયો છે.

કિંગ ઑફ પૉપના નામે વિખ્યાત માઇકલ જેક્સનનું જૂન ૨૦૦૯માં અચાનક અવસાન થયું હતું. માઇકલ જેક્સને એની કરિયરની શરૂઆત ૧૯૬૪માં કરી હતી અને ૮૦ના દાયકાની શરૂઆતમાં તો માઇકલ પૉપ મ્યુઝિક અને મનોરંજનની દુનિયાના સૌથી લોકપ્રિય સિતારા બની ગયા. લૉસ એન્જલસના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવેલા માઇકલના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવાયું હતું.
માઇકલ જેક્સનનું પૉપ અને રૉક મ્યુઝિક આજે પણ પ્રચલિત છે. તેમના નામે ૧૩ ગ્રેમી અવૉર્ડ, ગ્રેમી લેજન્ડ અવૉર્ડ, ગ્રેમી લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ, ૨૬ અમેરિકન મ્યુઝિક અવૉર્ડ નોંધાયા છે. માઇકલ જેક્સને દુનિયાને રોબોટ અને મૂનવૉક જેવા ખાસ ડાન્સિંગ સ્ટેપ્સ જ નહીં, હિપહૉપ, પોસ્ટ-ડિસ્કો, કન્ટેમ્પરરી આરએન્ડબી, પૉપ અને રૉક પણ શીખવ્યું હતું.