સ્વબળે બ્યૂટિ પાર્લર ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન મેળવનાર મેકઅપ અને હેર આર્ટિસ્ટ કાજોલ સોલંકીએ હવે મૉડેલિંગ ક્ષેત્રમાં પણ નામના મેળવી રહી છે. કાજોલની આ સિદ્ધિને તાજેતરમાં અમદાવાદમાં ફિલ્મ અને ટીવીના કલાકાર સુરેન્દ્ર પાલ દ્વારા તો વડોદરા ખાતે અનુપમા સિરિયલની અભિનેત્રી રુપાલી ગાંગુલીએ અવૉર્ડ આપી સન્માનિત કરી હતી.
મૂળ અમદાવાદની કાજોલ સોલંકીએ પ્રાથમિક તાલીમ ગિરિજા પટેલ પાસે લીધી હતી. ત્યાર બાદ સ્વબળે મેકઅપ અને હેર સ્ટાઇલની તરકીબો શીખતી ગઈ. આમ છતાં કાજોલ એનામાં મેકઅપ અને હેર સ્ટાઇલની કળાનો મજબૂત પાયો નાખનાર ગુરુ ગિરિજા પટેલે આપેલી શીખને ભૂલી નથી અને તેમણે ચીંધેલા માર્ગે આગળ વધી રહી છે. મેકઅપ-હેર આર્ટિસ્ટથી મૉડેલિંગ ફિલ્ડમાં પદાર્પણ કરનાર અને તાજેતરમાં વિયેટનામમાં રૅમ્પ વૉક કરી ભારત પાછી ફરેલી કાજોલ અનેક શોમાં રૅમ્પ વૉક કરી ચુકી છે. મેકઅપ અને મૉડેલિંગમાં આગવું સ્થાન મેળવ્યા બાદ કાજોલે અભિનય ક્ષેત્રે જંપલાવ્યું છે. કાજોલ અભિનીત એક મ્યુઝિક વિડિયો જાન્યુઆરીમાં લૉન્ચ થવાનો છે.
શિવજીની ભક્ત કાજોલે જણાવ્યું કે, આજે એ જે સ્થાન પર પહોંચી છે ત્યાં સુધી પહોંચવા સખત મહેનત કરી છે. આજે મને મારી ધીરજ અને મહેનતનું ફળ મળી રહ્યું છે. એ જે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે એના વિશે જણાવતા કહે છે કે અહીં સકારાત્મક અને નકારાત્મક બંને પરિબળો છે. પણ બેમાંથી શેની પસંદગી કરવી છે એ તમારા પર નિર્ભર કરે છે. જો સકારાત્મતા સાથે રહેશો તો વહેલી-મોડી તમારું લક્ષ્ય સિદ્ધ કરી શકશો. કાજોલ સોલંકી પણ એની દૃઢ ઇચ્છાશક્તિ અને લગનથી એના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.