અ…ર…ર… શું દિવસો આવ્યા છે… કેમેરાની સામે ઊભા રહેવાને બદલે કાતર લઈ વાળ કાપવાનો વારો આવ્યો છે આ અભિનેત્રીનો. લૉકડાઉન શરૂ થયું ત્યારથી માણસ સામાન્ય હોય કે વીઆઈપી, જે હાથવગું છે એનાથી કામ ચલાવી રહ્યો છે. શું કરે છૂટકો પણ નથીને. બધા સલૂન બંધ હોવાથી મધ્યમવર્ગીય તો ઘરમાં જ ભાઈ-બહેન-મમ્મી પાસે વાળ ટ્રિમ કરાવી રહ્યો છે. પણ ફિલ્મી પરદે આવતી સેલિબ્રિટીઝ તો હેર સ્પા સેશન, પેડિક્યોર, મેનિક્યોર વગેરે મિસ કરી રહ્યા છે. એના વગર તેમના ચાહકો સામે આવે પણ કેવી રીતે?

જોકે અમુક સેલિબ્રિટી સ્ટાર્સે એનો પણ ઉકેલ કાઢ્યો છે. પોતાના વધેલા વાળ પાર્લરમાં જઈ સેટ થઈ શકતા ન હોવાથી વિકી કૌશલ, રાધિકા આપ્ટે, આલિયા ભટ્ટ જેવા સ્ટારે હેર સ્ટાઇલ માટે જુગાર કર્યો અને એના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા. તો ક્રીતિ સેનન કેમ એમાં પાછળ રહે? એણે પણ પોતાની બહેન નૂપુરને પોતાની હેર ડ્રેસર બનાવી અને નૂપુરે પણ આજ્ઞાંકિત બહેનની જેમ ક્રીતિને નવી હેર કટ કરી આપી. બંને બહેનોનો વિડિયો પણ આવ્યો છે જેમાં તેઓ મજેદાર વાત્યું કરી રહી છે. ક્રીતિએ આ મજાની વાતો એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કરી છે. ક્રીતિએ લખ્યું કે, તેં તો હસતાં હસતાં પંજાબી ગીત પર બૂટી હલાવી મને ડરાવી દીધી હતી. એ પણ ત્યારે, જ્યારે તારા હાથમાં મારા અતિ કિંમતી વાળ હતા. તો નૂપુર કહે છે, બહેન છે એટલે જવા દીધી…. ભાઈ હોત તો… તો…
નૂપુર છેલ્લે એના ફિલહાલના અનપ્લગ્ડ મ્યુઝિક વિડિયોમાં દેખાઈ હતી. એનો નવો પ્રોજેક્ટ હાલ અમલમાં આવેલા લૉકડાઉનને કારણે અટક્યો છે. હાલ નૂપુર અને ક્રીતિ તેમના મુંબઈના ઘરમાં પરિવાર અને તેમના પેટ્સ ડિસ્કો અને ફોએબે સાથે રહે છે. નૂપુર લૉકડાઉન દરમ્યાન સિંગિંગની સાથે કૂકિંગ પર પણ હાથ અજમાવી રહી છે.
વિડિયો જોવા લિન્ક પર ક્લિક કરો