દેશ પર આવી પડેલું સંકટ હોય કે કોઈ પણ પ્રકારની કુદરતી આફત, ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવા પ્રસંગે હંમેશ સહાય આપવામાં આગળ હોય છે. અત્યારે દેશ પર કોરોના મહામારીનું મહાસંકટ આવી પડ્યું છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કલાકાર-કસબીઓ જરૂરિયાતમંદોને યથાશક્તિ સહાય પહોંચાડી રહ્યા છે. તો અમુક એવા પણ છે જેઓ કોરોના વાઇરસ સામે લડત ચલાવતી પોલીસને રાહત પહોંચાડવા તેમની વૅનિટી વૅનનો કાફલો મોકલી આપ્યો છે.

મુંબઈના બૉલીવુડના ગુજરાતી બિઝનેસમેન કેતન રાવલ. તેમનો શૂટિંગ દરમ્યાન વૅનિટિ વૅન ભાડે આપવાનો મોટો બિઝનેસ છે.
હમણા બૉલિવુડ-ટેલિવુડના બધા શૂટિંગ બંધ છે ત્યારે કેતનભાઇએ મુંબઈમાં એક નવા જ પ્રકારનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.

પોલીસકર્મીઓ એક બાજુ કોરોનાનને કારણે દિવસભર જીવના જોખમે દિવસ-રાત, ટાઢ-ગરમી જોયા વગર લોકોની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે. પોતાના પરિવારની પરવા કર્યા વિના બળબળતા તાપમાં ફરજ બજાવતા પોલીસના જવાનો થોડો સમય એસીમાં આરામ કરી શકે એ માટે કેતન રાવલે તેમની 13 વૅનિટી વૅન શહેરના 13 સ્થળે ઊભી કરી છે.
આ તમામ એરકન્ડિશન્ડ વૅનિટી વૅન વૉશરૂમ, સોફા-બેડ, ટીવી સહિતની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. દિવસભર ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સુવિધાજનક વૅનિટી વૅનમાં આરામ કરી શકશે.