મુંબઈ પોલીસે શનિવારે સાંજે અભિનેતા એજાઝ ખાનની અભદ્ર ભાષા અને આપત્તિજનક ટિપ્પણી કરવા સબબ ધરપકડ કરી છે. એજાઝ ખાને એના ફેસબુક લાઇવ વિડિયો દરમ્યાન વિવાદિત ભાષાનો ઉપયોગ કર્યો હતો. મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં એજાઝ ખાન વિરૂદ્ધ ભારતીય દંડસંહિતાની કલમો 153એ, 117, 121 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

એજાઝ ખાન હંમેશ એની વિવાદિત ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહ્યો છે. એના ફેસબુક લાઇવ પર મીડિયા, સરકાર સહિત અનેક લોકો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. ગુરૂવારે એજાઝ ખાને વિવાદાસ્પદ વિડિયો મુક્યા બાદ ટ્વીટર પર અરેસ્ટ એજાઝ ખાન ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

એક તરફ ભારત સહિત પૂરી દુનિયા કોરોના વાઇરસના કોપનો સામનો કરી રહી છે, અને બધા એનાથી બચવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે એજાઝ ખાને એના વિડિયોમાં કીડી મરી ગઈ, મુસલમાન જવાબદાર. હાથી મરી ગયો, મુસલમાન જવાબદાર. દિલ્હીમાં ધરતીકંપ આવ્યો, બધા મુસલમાન જમીનમાં ઘુસી ગયા અને હાલ્યા એટલે ધરતીકંપ આવ્યો… એટલે કે દરેક બાબત માટે મુસલમાન જવાબદાર છે, પરંતુ આ કાવતરૂં કોણ કરી રહ્યું છે, ક્યારેય તમે વિચાર્યું છે? એ સાથે એણે લોકોને કોરોના થવો જોઇએ એમ કહ્યું હતું. આને પગલે ઉશ્કેરાયેલા લોકોએ એને આડે હાથ લીધો હતો અને ટ્વીટર પર હૅશટૅગ અરેસ્ટ એજાઝ ખાન ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

મૂળ અમદાવાદનો અને ત્યાંની વિશ્વભારતી તથા સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણેલો એજાઝ અભિનેતા બનવા મુંબઈ આવ્યો. એની ડેબ્યુ ફિલ્મ હતી, શશશ ફિર કોઈ હૈ (2006). અમુક લો બજેટની ફિલ્મો કર્યા બાદ રહે તેરા સાથ, કહાની હમારે મહાભારત કી જેવા ટીવી શો કર્યા. પણ એને ખ્યાતિ મળી બિગ બૉસની સાતમી સીઝનમાં આવ્યા બાદ. જોકે એજાઝ એના વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. આ અગાઉ સલમાન ખાન મુદ્દે રિશી કપૂર સાથે કરેલા ટ્વીટર વૉરને કારણે ચમક્યો હતો. તો ગયા વરસે ઓક્ટોબર મહિનામાં નવી મુંબઈ પોલીસના નાર્કોટિક્સ વિભાગને એજાઝ પાસેથી પ્રતિબંધિત ડ્રગ ઉપરાંત એક્સ્ટેસી ટેબ્લેટ મળી આવતા એની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here