બુધવારે રાત્રે આપણી ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી‘ જોઈ, અને આ ફિલ્મ આપણી ભાષામાં બની એ વાતથી છાતી ગજ ગજ ફૂલી ગઈ.
‘ઐતિહાસિક વાર્તા’ને આટલા ‘લિમિટેડ બજેટ’માં આટલી સુંદર રીતે રજૂ કરવા બદલ ‘સમગ્ર ટીમ’ને ખૂબ ખૂબ અભિનંદન.
હું હંમેશા કહું છું કે આપણી ફિલ્મોમાં આપણી ધરતી, અને એની સુગંધ ખૂટે છે. પણ આ ફિલ્મ જે રીતે બનીને પ્રેક્ષકો સમક્ષ આવી છે, એ ખૂબ જ મોટી આશા જગાડે છે કે હવે સર્જકો આ રીતે આપણી ધરાની આપણી સંસ્કૃતિની, આપણા સંગીતની, અને આપણા રંગોની ફિલ્મો લઈને આવશે તો ચોક્કસ આપણા બદ્ધા માટે ખૂબ ગૌરવનો અનુભવ કરાવશે….
‘NAYIKA DEVI’ નખશીખ આવી સિનેમા છે….
આપણા ઇતિહાસમાં એવો ખૂબ મોટો ‘ભંડાર’ છે જે સામાન્ય લોકો સુધી કોઈ પણ રીતે નથી પહોંચ્યો. પણ એ બધી ‘અદભુત વાતો’ને આ રીતે સિનેમાના પડદે લાવી જ શકાય એમ છે.
એક એવી કથા જે આજના પાટણમાં કે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના લોકોને પણ નથી ખબર ‘એ વાત’ આ ફિલ્મ લઈને આવી છે.
‘મહંમદ ઘોરી’ નામના એ ‘આદમખોર’ને ગુજરાતની એક વીરાંગનાએ જે ઝનૂન અને શોર્યથી પરાજિત કરીને વર્ષો સુધી એના દેશ ભેગો કરી દીધો, કે ત્યાર બાદ પાટણ તરફ જોવાની હિમ્મત સુદ્ધાં ના કરી. એ વીરાંગના એટલે આ ‘નાયિકા દેવી’.
વધુ વાર્તા નહીં જણાવું, પણ જે રીતે આ ફિલ્મ બની છે અને ‘એક પ્રેક્ષક’ તરીકે જે મેં જોયું એ ‘આફરીન-આફરીન’ છે….
એકાદ કલાકારને બાદ કરતા બાકી ‘સમગ્ર કલાકારો’એ એમના પાત્રોમાં જીવ રેડી દીધો છે. જે પડદા પર છલકાય છે. એ બદ્ધા કલાકારોને સેલ્યૂટ છે મારા દિલથી.
અને ‘નાયિકા દેવી’ જેણે જીવંત કરી એ અભિનેત્રીને માટે શું લખું અને શું ના લખું?
નખશીખ નાયિકાદેવીના પાત્ર માટે જ જાણે ‘ખુશી શાહ‘નો જન્મ થયો હોય એમ લાગે. ‘વાઆઆહ’……
ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખુશી અને આ ફિલ્મના સમગ્ર કલાકાર મિત્રોને.
અને હા ‘મહમ્મદ ઘોરી’ તરીકે ચંકી પાંડે અદભુત. જે કલાકારને વર્ષોથી કૉમેડીમાં વેડફાતો જોયો હોય એ કલાકારને આટલી અદભુત રીતે રજૂ કરી શકાય એ વિચારનાર ડિરેક્ટરને પણ સલામ….
ચંકી પાંડેના અત્યાર સુધીના જીવનનો આ ‘સૌથી શ્રેષ્ઠ અભિનય’.
સંગીત અદભુત. પડદા પર આ ગીતો માણતા માણતા તમે પોતે ભીતરથી છલકાવા માંડો…
કેમેરા વર્કથી લઈને Editing, art direction, costumes, music… દરેક ડિપાર્ટમેન્ટ સુંદર.
નાયિકાદેવીની શરૂઆતની ૧૫ મિનિટ હજી રસપ્રદ બની શકી હોત… પણ ત્યાર પછીની દરેક ક્ષણ તમારા પર હાવી થતી જાય, અને તમે એ ‘સમયકાળ’માં ખેંચાતા જાવ એ અનુભવ ‘દરેક પ્રેક્ષક’ અનુભવે છે એ જોવાનો પણ એક અલગ અનુભવ છે.
દિગ્દર્શકે આટલા બજેટમાં આટલી વિશાળ સિનેમા બનાવી અને દરેક પાત્રોને આટલી સરસ માવજતથી રજુ કર્યા એ પણ કમ્માલ.
નિર્માતા ઉમેશજીને ખૂબ ખૂબ અભિનંદન આ ફિલ્મ કલ્પવા અને બનાવવા બદલ.
નિર્માતા અને દિગ્દર્શક પરભાષાના હોવા છતાં આપણી ગુજરાતી ભાષા સાથે આટલી સુંદર સિનેમા બનાવી એ બદલ સલામ છે એમને.
આ એક ગુજરાતી પ્રેક્ષક તરીકે લખી રહ્યો છું.
કલાકાર તરીકે એટલું જ કહીશ કે જો તમને ગુજરાતી સિનેમાના સ્તર કે વિષયો વિશે ફરિયાદો હોય તો આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં .
એક એવી ફિલ્મ જે હિન્દી કે બીજી ભાષાઓમાં આ ફિલ્મના બજેટથી 50 ગણાં બજેટમાં પણ આટલી અદભુત અને શુદ્ધતાથી ના બની શકે એ ફિલ્મ આપણી ભાષામાં બનીને હવે પ્રેક્ષકો સમક્ષ આવી ગઈ છે.
દરેક ગુજરાતીએ ના ચૂકવા જેવી ફિલ્મ એટલે આ આપણી નાયિકાદેવી.