Table of Contents
1 જૂનથી સમગ્ર દેશમાં અનલૉક-1ની શરૂઆત થઈ છે, અનેક સેક્ટરમાં કામકાજ ફરી શરૂ થયું છે. જોકે ફિલ્મ-સિરિયલ-વેબ સિરીઝના શૂટિંગ ફરી શરૂ કરવાની પરવાનગી હજુ અપાઈ નથી. મહારાષ્ટ્રમાં સરકારે શૂટિંગ શરૂ કરવા મંજૂરીની મહોર લગાવી છે પણ ગુજરાતમાં હજુ કોઈ વિધિવત જાહેરાત કરાઈ નથી. આથી સમગ્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રી વતિ ભાજપના વિધાનસભ્ય હિતુ કનોડિયા આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળી શૂટિંગ ફરી શરૂ કરવા માટેની તારીખ જાહેર કરવાની વિનંતી કરતો પત્ર આપ્યો હતો. મુખ્યપ્રધાને પણ સકારાત્મક અભિગમ દર્શાવી આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાની ખાત્રી આપી હતી.
આમ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિમંડળ જવાનું હતું પરંતુ કોરોનાને કારણે એ શક્ય ન હોવાથી સમગ્ર ઢોલિવુડના પ્રતિનિધિ તરીકે હિતુ કનોડિયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. એ સાથે આ અંગેનો એક પત્ર તેમણે માહિતી અને પ્રસારણ વિભાગના સેક્રેટરી અશ્વિની કુમારને સુપરત કર્યો હતો. જેમણે તાત્કાલિક સંબંધિત વિભાગોને ફોન કરી તુરંત કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
સચિવાલયની મુલાકાત બાદ હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે સરકારે ખૂબ જ સકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને અમને આશા છે કે સરકાર ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવા માટેની તારીખની જાહેરાત કરશે.
જ્યારે મનોરંજનની દુનિયાના પાટનગર ગણાતા મુંબઈમાં ફરી લાઇટ્સ… કેમેરા… ઍક્શનના અવાજ ગૂંજવા લાગશે. કારણ, મુંબઈના ફિલ્મ નિર્માતા, કલાકાર, વિવિધ અસોસિયેશનના પદાધિકારીઓએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળી ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ કરવા મંજૂરી આપવાની વિનંતી કરી હતી. એ મુજબ રાજ્યના સાંસ્કૃતિક વિભાગે રવિવારે જાહેર કરેલા આદેશ મુજબ ફિલ્મો, સિરિયલ, વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કરવા માટે શરતી માન્યતા આપવામાં આવી છે.
બે મહિનાથી વધુ સમયથી શૂટિંગ બંધ હોવાથી અનેક ફિલ્મ-સિરિયલ્સ અને વેબ સિરીઝના શૂટિંગ રખડી પડ્યા હતા. ઘણી ફિલ્મોના શૂટિંગ પૂરા થયા હોવા છતાં પોસ્ટ પ્રોડક્શનના કામો અટકી પડ્યા હતા.
ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનના સભ્યો અને અમુક નિર્માતાઓ પણ મુખ્યપ્રધાનને મળ્યા હતા. આ બેઠકમાં નક્કી થયા મુજબ ગયા અઠવાડિયે વિવિધ અસોસિયેશનના પદાધિકારીઓએ અને પ્રોડ્યુસર્સ ગિલ્ડે ફિલ્મ નિર્માણ સાથે સંબંધિત દરેક વિભાગમાં કેવી રીતે સાવધાની રાખી શૂટિંગ કરી શકાય એ અંગેની 37 પાનાંની માર્ગદર્શિકાનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
આ તમામ બાબતો પર વિચારવિમર્શ કર્યા બાદ સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ નિર્માતા પ્રી-પોસ્ટ પ્રોડક્શનનું કામ કરી શકશે. નિયમ મુજબ જો શૂટિંગમનાં સાવધાની ન રખાઈ તો શૂટિંગ અટકાવવામાં આવશે એવી ચીમકી પણ સરકારે આપી હતી. 20 જૂનથી ફિલ્મ, સિરિયલ, વેબ સિરીઝ અને ઍ ફિલ્મોના શૂટિંગ શરૂ થઈ શકશે એવી આશા નિર્માતાઓએ વ્યક્ત કરી હતી.