ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઉજવણીનો અવસર
પચાસમા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ૨૦ થી ૨૮ નવેમ્બર સુધી ગોવામાં થશે અને આ સમયગાળા દરમ્યાન વિભિન્ન દેશોની ૨૦૦થી વધુ ફિલ્મો દર્શાવવામાં આવશે. અને ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે પચાસમા ફિલ્મ ફેસ્ટિવલના ભારતીય પેનોરેમા ૨૦૧૯ની ઓપનિંગ ફિલ્મ તરીકે અભિષેક શાહ દિગ્દર્શિત હેલારોને પસંદ કરાઈ છે.
કેન્દ્રિય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે વિભિન્ન ભારતીય ભાષાઓની ૨૬ ફીચર ફિલ્મો અને ૧૫ અન્ય ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. ઉપરાંત બીજી ૩૬ ફિલ્મો દર્શાવવામાં આવશે જેમાં ડૉક્યુમેન્ટ્રીની સાથે શોર્ટ ફિલ્મો પણ સામેલ છે.
ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન પચાસ વરસ પહેલાં વિવિધ ભાષામાં બનેલી બાર ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. આ વરસે રશિયાને આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભાગીદાર બનાવાયો છે. ભારતીય પેનોરેમા ૨૦૧૯માં પાંચ ફિલ્મો છે જેમાં ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક (હિન્દી) આદિત્ય ધર, એફટુ (તેલુગુ) અનિલ રવિપુડી, ગલી બૉય (હિન્દી) ઝોયા અખ્તર, સુપર ૩૦ (હિન્દી) વિકાસ બહલ, બધાઈ હો (હિન્દી) અમિત રવિન્દ્રનાથ શર્મા.