બૉલિવુડની સદાબહાર અભિનેત્રી રેખા ગુરૂવારે આજે એનો 65મો જન્મદિન મનાવી રહી છે. એનો જન્મ 10 ઓક્ટોબર 1954માં ચેન્નઈમાં થયો હતો. એણે ફિલ્મી કરિયર દરમ્યાન અનેક ઉતાર-ચઢાવ જોયા છે. રેખાની ફિલ્મોથી લઈ અંગત જીવનમાં એવા અનેક બનાવો બન્યા છે જ્યારે એ ભાંગી પડી હોય. જોકે આજે આ ઉંમરે પણ એની ખરી ઉંમરનો ક્યાસ લગાવવો મુશ્કેલ છે. આજે પણ એ એટલી જ ખૂબસૂરત લાગે છે જેટલી અગાઉની ફિલ્મોમાં લાગતી હતી. એની ખૂબસૂરતી આજે પણ અન્ય અભિનેત્રીઓના ચહેરાની ચમકને ફીકી પાડે છે.
રેખાએ 1966માં દક્ષિણ ભારતીય ફિલ્મ રંગુલા રત્નથી એની ફિલ્મી કરિયરની શરાત કરી હતી. જોકે એ ફિલ્મમાં એણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. જ્યારે બૉલિવુડની કરિયર સાવન ભાદોંથી કરી હતી જેમાં એનો હીરો નવિન નિશ્ચલ હતો. અત્યાર સુધીમાં રેખાએ 175 જેટલી હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ખૂબસૂરત, ખૂન ભરી માંગ, ખૂન ઔર પસીના, મુકદ્દર કા સિકંદર અને ઉમરાવ જાન એની સૌથી સફળ ફિલ્મો ગણાય છે. રેખાને ત્રણ ફિલ્મફેર અને એક નેશનલ ઍવોર્ડ મળી ચુક્યો છે. ઉપરાંત ભારત સરકારે પદ્મશ્રી આપીને સન્માનિત કરી છે.
રેખાના પિતા જેમિની ગણેશન દક્ષિણ ભારતના સુપરસ્ટાર હતા. તેમણે ચાર લગ્ન કર્યાં હતા પણ રેખાની મા પુષ્પવલ્લી, જે એ સમયની તેલુગુ ફિલ્મોની અભિનેત્રી હતી એને કદી પત્નીનો દરજ્જો આપ્યો નહોતો, એટલું જ નહીં રેખાને પણ કદી અપનાવી નહોતી. જોકે 1990માં રેખાએ જ્યારે મુકેશ અગ્રવાલ સાથે તિરૂપતિ મંદિરમાં ફરી લગ્ન કર્યા ત્યારે ગણેશન આશીર્વાદ આપવા ગયા હતા.
1990માં રેખાએ દિલ્હીના ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા પણ ટૂંક સમયમાં બંનેના છૂટાછેડા થયા. ડિવોર્સ બાદ મુકેશે આત્મહત્યા કરી હતી. જોકે રેખા આજે પણ સેથીમાં સિંદૂર પૂરે છે. એના લગ્ન થયા એ અગાઉ રિશી કપૂર અને નીતુ સિંહનાં લગ્નમાં રેખા માથામાં સિદૂર લગાવીને ગઈ હતી. ત્યાર બાદ 2008માં એક ઍવોર્ડ સમારંભમાં પણ એ સિંદૂર લગાવીને ગઈ હતી. એ સિંદૂર કેમ લગાવે છે એનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી.
રેખાના જીવનમાં નવિન નિશ્ચિલ, જિતેન્દ્ર, વિનોદ મહેરા, વિશ્વજીત અને શત્રુઘ્ન સિંહા જેવા અભિનેતા આવ્યા જેમની સાથેના અફેર ચર્ચામાં રહ્યા હતા. પરંતુ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથેના સંબંધોની પુષ્કળ ચર્ચામાં રહ્યા. જોકે બંનેએ તેમના સંબંધો અંગે વાત કરવાનું ટાળ્યું છે. બંને વચ્ચેના સંબંધો કેવા હતા એ પણ એક રહસ્ય છે.
આજે પણ જ્યારે અમિતાભ બચ્ચન અને રેખા કોઈ સમારંભમાં સાથે હોય ત્યારે લોકોની નજર તેમના પર જ હોય છે. બંનેએ છેલ્લે સિલસિલામાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં જયા બચ્ચન પણ હતાં. એવું કહેવાય છે કે આ ફિલ્મ રેખાની અસલ જિંદગીની ઘણી નજદિક છે.