લાંબા અરસાથી યુવાનો જ નહીં, જૂની પેઢીના ગુજરાતીઓ પણ ગુજરાતી ફિલ્મો જ્યાં રિલીઝ થઈ હોય એ થિયેટર પાસેથી પણ પસાર થવામાં શરમ અનુભવતા હતા. આ વાતમાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે પણ આબાલવૃદ્ધ ગુજરાતી ફિલ્મ જોવામાં નાનમ અનુભવતો હતો. પણ છેલ્લા થોડા વરસથી દર્શકો ફરી ગુજરાતી ફિલ્મો તરફ વળી રહ્યા છે તો સર્જકો પણ એવી ફિલ્મો બનાવી રહ્યા છે જે રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢી રહી છે. એમાંય આનંદની વાત એ છે કે જે ફિલ્મો રાજ્ય-રાષ્ટ્ર સ્તરે નામના મેળવી રહી છે એના સર્જકો નવી પેઢીના નિર્માતા-દિગ્દર્શક છે. રોંગ સાઇડ રાજુને ગુજરાતી ફિલ્મોની શ્રેણીમાં નેશનલ ઍવોર્ડ મળ્યા બાદ 2019માં રેવાને ગુજરાતી શ્રેણીમાં શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મેળવ્યો તો હેલારોએ 400થી વધુ ફિલ્મોને ટક્કર આપી શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ઍવોર્ડ મેળવનાર ફિલ્મ બની. એટલું જ નહીં, ફિલ્મની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એક્ટ્રેસ માટેનો નેશનલ ઍવોર્ડ મળ્યો છે. હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ બની જેને રાષ્ટ્રીય સ્તરે બબ્બે ઍવોર્ડ મળ્યા હોય. તો ગોવા ખાતે યોજાઈ રહેલા 50મા રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ ફિલ્મ બનવાનું પણ બહુમાન મેળવ્યું.

ફિલ્મ રિલીઝ પહેલાં રાષ્ટ્રીય ઍવોર્ડ મેળવનાર હેલ્લારોનું અમદાવાદ ખાતે યોજાયેલ ઇવેન્ટમાં ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. ઇવેન્ટમાં ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, કલાકારો સામેલ થયા હતા.

8 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી હેલ્લારો એક પિરિયડ ડ્રામા છે જે ગુજરાતના લોક નૃત્ય અને ગરબા પર આધારિત છે. ફિલ્મનું કથાનક 1975ની કચ્છી સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે. કચ્છ જિલ્લાના વિશાળ રણમાં ફિલ્માવાયેલી હેલ્લારોમાં સાડા ચાર દાયકા અગાઉના ભાતીગળ પહેરવેશ, ઘર (ભૂંગા)નો માહોલ સર્જવા આર્ટ ડિરેક્ટરે ભારે જહેમત ઉઠાવી હતી. જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ માટે 450થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ એટલે કે કૉસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા હતા. ધોમધખતા તાપમાં 35 દિવસ સુધી કચ્છના રણમાં શૂટિંગ કરાયું હતું.

ગુજરાતી ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે જાણીતા અભિષેક શાહે હેલ્લારોથી ફિલ્મના દિગ્દર્શક તરીકે કરિયરની શરૂઆત કરી છે. રંગભૂમિ સાથે સંકળાયેલા અભિષેકને એમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ દેશનો સર્વોચ્ચ ગણાતો નેશનલ ઍવોર્ડ અપાવ્યો.

હેલ્લારોના દિગ્દર્શક અભિષેક શાહ શું કહે છે? સાંભળવા લિન્ક પર ક્લિક કરો

//youtu.be/tRGulmcsfoY

ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગના અવસરે અભિષેક શાહે જણાવ્યું હતું કે, ફિલ્મની વાર્તા અંગે મનોમંથન કરી રહ્યો હતો ત્યારે શરદ પૂનમ હતી અને ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં પણ આપણા લોકનૃત્ય અને ગરબા જ હતા. એક સમય એવો હતો જ્યારે એવું કહેવાતું હતું કે ગુજરાતી ફિલ્મ એટલે ગામ ગોકીરો અને ગરબા જેણે નિર્માતાને કર્યા રડતા. પણ જે આપણી પરંપરા છે એને ફિલ્મ નિકાલ કરવાથી કંઈ ઇન્ડસ્ટ્રીનો ગૉલ્ડન પિરિયડ શરૂ થશે એવી માન્યતા ભૂલભરેલી હતી એ હેલ્લારોએ પુરવાર કરી છે.

આશિષ સી પટેલ, નિરવ પટેલ, આયુષ પટેલ, અભિષેક શાહ, મિત જાની અને પ્રતીક ગુપ્તા દ્વારા નિર્મિત અને અભિષેક શાહ દિગ્દર્શિત હેલ્લારોના લેખક છે અભિષેક શાહ અને પ્રતીક ગુપ્તા. નૃત્ય દિગ્દર્શક સમીર તન્ના અને અર્શ તન્ના છે તો ગીતો અને સંવાદ 102 નોટ આઉટના લેખક સૌમ્ય જોશી છે. તો સંગીત મેહુલ સુરતીનું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here