ટેલિવિઝન જગતનું જાણીતું નામ તોરલ રાસપુત્રા પહેલીવાર ગુજરાતી રંગમંચ પર એન્ટ્રી કરી રહી છે. લાંબા સમયથી ટીવી શોના વ્યસ્ત શિડ્યૂલને કારણે થિયેટર કરવા ન મળ્યું હોવા છતાં, હવે તેઓ કહે છે કે, ફાઇનલી, હવે સમય છે ગુજરાતી થિયેટરને એક્સપ્લોર કરવાનો.
જ્યોતિ : એક સિમ્પલ, સ્વીટ હાઉસવાઇફ

તોરલ ગુજરાતી નાટક તમે પહેલાં જેવા નથી રહ્યામાં જ્યોતિની ભૂમિકામાં જોવા મળશે. પ્રેમાળ, કાળજી ભરેલી અને પરિવાર માટે જીવતી ગૃહિણી. હસબન્ડ સાથેની કેમેસ્ટ્રી અદભુત છે. અને સ્ટોરીમાં આવે છે ટ્વિસ્ટ. ત્યાર બાદ દર્શકોને આવશે મજા જ મજા, તોરલ હસતાં હસતાં કહે છે. અજય પારેખ દિગ્દર્શિત નાટકમાં ગુજરાતી રંગમંચના જાણીતા કલાકાર વિપુલ વિઠલાણી મારા હીરો છે.
એક્ટિંગનું સપનું મમ્મીની ઈચ્છાથી શરૂ થયું
તોરલને બાળપણથી જ સ્ટેજનો ડર નહોતો. મમ્મીના પ્રોત્સાહનથી ધીમે ધીમે એક્ટિંગ પ્રત્યેનો લગાવ વધ્યો અને 2007માં ધૂમ મચાયે ધૂમથી કરિયરની શરૂઆત કરી. મારા બેચના બધા મિત્રો CA–MBA થયા અને હું એક્ટર! તે મજેદાર રીતે કહે છે.
બાલિકા વધૂની આનંદીની ભૂમિકાએ તોરલને ઘેરઘેર ઓળખ અપાવી

હિન્દી સિરિયલ બાલિકા વધુ સિરિયલની મારી આનંદીની ભૂમિકાએ મને દેશ-દુનિયામાં આગવી ઓળખ અપાવી. ઘર ઘરમાં મારું નામ જાણીતું બન્યું. બહાર જતી તો ચાહકો સેલ્ફી લેવા દોડી આવતા.
ફિલ્મો અને વેબ સિરીઝ?
ડેફિનેટલી ઓપન છું! અત્યાર સુધી કોઈ ફિલ્મો નથી કરી, પરંતુ ઇચ્છા છે. વેબ સિરીઝ પણ કરવા માગું છું, પરંતુ ટીવીના હેક્ટિક શિડ્યૂલને કારણે શક્ય બન્યું નહીં.
હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચર્ચામાં છે, ગુજરાતી ફિલ્મ કરવાની ઇચ્છા ખરી?
સાચી વાત, હાલ ગુજરાતી ફિલ્મો ધમાલ મચાવી રહી છે. મને પણ જો સારી ભૂમિકા મળતી હોય તો ગુજરાતી ફિલ્મ કરવા પણ ઉત્સુક છું.

કેવા પ્રકારની ભૂમિકા ભજવવાની ઇચ્છા છે
તોરલ કહે છે કે અર્થ ફિલ્મનું સ્મિતા પાટીલનું પાત્ર ભજવવાનું મારું સપનું છે. જો એવો કોઈ રોલ મળે તો એ મારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સમાન હશે.
એક્ટર ન બની હોત તો એર હોસ્ટેસ બનત!
બાળપણમાં તોરલનું સપનું એર હોસ્ટેસ બનવાનું હતું. ફરવાનો શોખ, નવા દેશ જોવાની જિજ્ઞાસા. આજે પણ પ્રવાસનો શોખ એટલો જ છે. યુરોપથી કેન્યા સુધી અનેક લોકેશન્સ ફરી ચુકી છે.
સ્ટારડમનો કોઈ બોજ નહીં
આનંદી, બાયઝા… લોકો હજી પણ પ્રેમથી યાદ કરે છે અને એ જ મારી સૌથી મોટી કમાણી છે. તોરલે ફેમને તેણે ક્યારેય પોતાના દિમાગ પર ચડવા દીધી નથી.
ગુજરાતી નાટક તમે પહેલાં જેવા નથી રહ્યા : નવી શરૂઆત, નવી ઊર્જા
થિયેટરનું કમિટમેન્ટ પડકાર ભર્યું છે. ટુર્સ, રિહર્સલ્સ, શોઝ બધું. પણ તે કહે છે, આ એક લાઈટ-હાર્ટેડ કૉમેડી છે, અને બધા પાત્રો વ્હાઈટ શેડ્સમાં છે. સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. દર્શકોને ઘણી મોજ પડશે.









