અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવી રહેલી મદાલશા શર્મા આજે એક જાણીતું નામ બની ગયું છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી અનુપમાને કારણે કાવ્યા ઉર્ફે મદાલસા ઘર-ઘરનું જાણીતું નામ બની ગયું છે. વીતેલા જમાનાના સ્ટાર મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા આજે એનો ત્રીસમો જન્મદિવસ મનાવી રહી છે. 26 સપ્ટેમ્બર 1991માં મુંબઈમાં જન્મેલી મદાલસા નાનપણથી જ ફિલ્મી વાતાવરણમાં ઉછરી છે.
મદાલસાના પિતા લેખક-દિગ્દર્શક સુભાષ શર્મા પુણેની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટના ગ્રેજ્યુએટ છે અને તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. જ્યારે માતા શીલા ડેવિડ (શીલા શર્મા)એ અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે. જોકે તેમને ખ્યાતિ અપાવી બી.આર. ચોપરાના મહાભારતમાં ભજવેલા દેવકીનાં પાત્રએ. વલસાડમાં જન્મેલાં અને સ્કૂલનું શિક્ષણ પૂરૂં કર્યાં બાદ વધુ અભ્યાસ માટે મુંબઈ આવેલાં શીલાએ અભિનયક્ષેત્રે જંપલાવ્યું.
માતાને પગલે દીકરીએ પણ ફિલ્મોમાં નસીબ અજમાવ્યું. મદાલસાની પહેલી હિન્દી ફિલ્મ હતી 2011માં આવેલી ગણેશ આચાર્ય દિગ્દર્શિત એન્જલ. જોકે એ પહેલા મદાલસા તમિલ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગજવી ચુકી હતી. મદાલસાની લવસ્ટોરી પણ મજેદાર છે. એની માતાએ થોડા વરસ પહેલાં મિમોહ (મિથુન ચક્રવર્તીનો મોટો પુત્ર મહાઅક્ષય) સાથે એક ફિલ્મ કરી હતી. ફિલ્મની એક ઇવેન્ટમાં પહેલીવાર મિમોહને મળી. મિત્રતા થઈ અને ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં પરિણમી. અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને 2018માં સાત ફેરા ફર્યાં.
મદાલસા સસરા મિથુનના વખાણ કરતા કહે છે કે તેઓ ઘણા વિનમ્ર છે. તેઓ હંમેશ મારી કરિયર અંગે માર્ગદર્શન આપતા રહે છે. અને મજાની વાત એ છે કે સસરા મિથુનના કહેવાથી મદાલસા ટીવી તરફ વળી અને ફૅમસ થઈ ગઈ.