બૉલિવૂડના વિલન પ્રાણની ખલનાયકીનો પ્રભાવ એટલો જબરજસ્ત હતો કે લોકો તેમને હકીકતમાં ખરાબ જણ માનતા. વિલન તરીકે તેમની ખ્યાતિ જબરજસ્ત હતી પરંતુ કોઈ તેમના દીકરાનું નામ પ્રાણ રાખવા રાજી નહોતું. જોકે ફિરોઝ ઈરાની આ મામલે ઘણા નસીબદાર રહ્યા. તેમને એક કલાકાર તરીકે દેશ-વિદેશના તમામ ગુજરાતી દર્શકોનો પ્રેમ અવિરત મળતો રહ્યો. જોકે ફિરોઝ ઇરાની તેમની આટલી પ્રદીર્ઘ કારકિર્દીનું રહસ્ય જણાવતા કહે છે, હું આટલી લાંબી ઇનિંગ રમી શક્યો એનું કારણ છે પ્રાણ સાબ.
આ અંગે વિગતે જણાવતા ફિરોઝ ઇરાની કહે છે કે, ગુજરાતી ફિલ્મોમાં અભિનયની સાથે હિન્દી ફિલ્મોમાં અસોસિયએટ ડિરેક્ટર તરીકે પણ કામ કરતો. એ સમયે એક ફિલ્મના સેટ પર મારી મુલાકાત પ્રાણસાબ સાથે થઈ. તેમને કોઇએ કહ્યું હશે કે ગુજરાતી ફિલ્મોમાં હું વિલન તરીકે જાણીતો છું. હું તેમને મળ્યો ત્યારે પૂછ્યું કિતની ફિલ્મે કી હૈ…, મેં કહ્યું 70-80 ફિલ્મો કરી હશે. ત્યારે તેમણે મને અનમોલ સલાહ કહો કે ગુરૂ મંત્ર આપ્યો. પ્રાણ સાહેબે મને કહ્યું કે આટલી ફિલ્મો બાદ દર્શકો એક જ કલાકારને જોઈ કંટાળી જાય છે એટલે ભલે ખલનાયકી કરે પણ દરેક ભૂમિકામાં વૈવિધ્ય લાવતો રહેજે. તેમના આ શબ્દો મારા દિલોદિમાગમાં ફેવિકોલ કા જોડની જેમ ફિટ થઈ ગયા. અને મારૂં માનવું છે કે તેમની સલાહને અનુસરવાને કારણે જ આટલી લાંબી ઇનિંગ હુ રમી શક્યો છું.
બીજી મહત્વની વાત, ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા ૪૦-૪૫ વરસ દરમિયાન અનેક હીરો આવ્યા… ગયા, કોઈ ચરિત્ર અભિનેતા બન્યા. પણ ફિરોઝ ઈરાની વિલન તરીકે આજે પણ અજેય છે. અહીં એક મજાની આડ વાત, ફિરોઝભાઈની જેમ અરુણા ઈરાની પણ આજે હિન્દી ફિલ્મ – ટીવી ઇન્ડસ્ટ્રીમાં અડીખમ છે.
ફિરોઝભાઈની વાત કરીએ તો ચાર દાયકાથી વધુની કરિયર, 550થી વધુ ગુજરાતી, 100થી વધુ હિન્દી ફિલ્મો ઉપરાંત પચાસેક જેટલી હિન્દી-ગુજરાતી સિરિયલોમાં ફિરોઝ ઇરાનીને દર્શકોએ જોયા માણ્યા હોવા છતાં તેમને ફિલ્મમાં જોવા દર્શકોને આતુર રહે છે. આજે પણ તેઓ જિતેન્દ્ર ઠક્કર, સ્મિતા જયકર, રાગી જાની સાથે અડકો દડકો, મનોજ નથવાણીની હા, હું પટેલ છું, જેનું પચાસ ટકા શૂટિંગ પૂરૂં થયું છે એવી ગુજરાતનું ગૌરવનું શૂટિંગ અમેરિકા અને કચ્છમાં થઈ રહ્યું છે. આ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક ખાસ આગ્રહને કારણે ફિરોઝ ઇરાનીને કાસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત સુપરહિટ ફિલ્મ ચીમનભાઈની ચાલની સિક્વલ પણ હાલ સાઇન કરી છે.
વિદેશમાં પણ ફિરોઝ ઈરાનીની લોકપ્રિયતાનો અંદાઝ એના પરથી આવે છે કે ત્યાંની અનેક સંસ્થા, કમ્યુનિટી માનઅકરામ આપી તેમનું સન્માન કરતી હોય છે.
ઉલ્લેખનીય છે કે ફિરોઝ ઈરાનીના પિતા ફરેદુન ઈરાની નાટક કંપની ચલાવતા હતા. એફ આર ઈરાની તરીકે જાણીતા ફરેદુન ઈરાનીની લક્ષ્મી કલાકેન્દ્ર નામે ડ્રામા કંપની હતી. જેનાથી જ ફિરોઝ ઈરાનીએ એક્ટિંગની શરૂઆત કરી હતી. 8 વર્ષની ઉંમરે તેમણે છોરુ કછોરું નામના નાટકમાં કામ કર્યું હતું. અને 1967માં 17 વર્ષની ઉંમરે ‘ગુજરાતણ’ નામની ફિલ્મથી વિલન તરીકે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં વિજય દત્ત હીરો હતા અને અરૂણા ઈરાની હિરોઈન હતા. બસ પછી તો ફિરોઝભાઈ પોતાની કરિયરમાં સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિરોઝ ઈરાની આજે 70 વર્ષની ઉંમરે પણ રોજ દોઢથી બે કલાક જિમમાં કસરત કરે છે. પોતાના જિમ રૂટિન વિશે વાત કરતા ફિરોઝભાઈ કહે છે કે, ‘હું ઉઠીને જિમમાં જાઉં, ત્યાં કસરત કરું અને પછી સ્વિમિંગ કરવા જાઉં. આમ રોજ દોઢથી 2 કલાક સુધી મારું એક્સરસાઈઝનું શેડ્યુલ હોય છે.’ 70 વર્ષે તેમની ફિટનેસનો આ જ તો રાઝ છે.
ફિરોઝ ઇરાનીએ તેમની આટલી લાંબી કરિયર દરમિયાન બૉલિવુડના દિગ્ગજ કલાકારો દેવ આનંદ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, જયા પ્રદા, પરેશ રાવલ, અન્નુ કપૂર, અક્ષય કુમાર, વિવેક ઓબેરોય સહિત અનેક અભિનેતા-અભિનેત્રીઓ સાથે કામ કરી ચુક્યા છે. તો 1967 બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટીમાં આવેલા લગભગ તમામ કલાકારો સાથે કામ કર્યું હોય એવા અભિનેતા હોય તો એ છે માત્ર ફિરોઝ ઇરાની.