કોઈ પણ ભાષાની ફિલ્મો, સિરિયલ હોય કે નાટકો સાસુ-વહુના સંબંધો સુપરહિટ સબ્જેક્ટ રહ્યો છે. સાસુ-વહુ પર આધારિત સિરિયલોએ તો વરસો સુધી ટોપ ટેનમાંથી હટવાનું નામ લેતી નહોતી. આવા સાસુ-વહુના ખાટા-મીઠા, તીખા-મોળા, કડવા-ગળ્યા સંબંધો પર આધારિત ફિલ્મ અનેક ગુજરાતી ફિલ્મોના જાણીતા લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી બનાવી રહ્યા છે. ફિલ્મનું નામ છે વહુ વાઘણ તો સાસુ સિંહણ.
ફિલ્મ અંગે જણાવતા લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી જણાવે છે કે, ફિલ્મ સાસુ વહુઓના એવા સંબંધની વાતો છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળતી હોય છે. પરંતુ અમે રોજિંદા જીવનની આ વાતો અતિશયોક્તિ વગર એકદમ મનોરંજક શૈલીમાં રજૂ કરી રહ્યા છીએ. ફિલ્મમાં સિંહણ જેવી સાસુની ભૂમિકા ગુજરાતી નાટકોની જાજરમાન અભિનેત્રી પ્રતિમા ટી ભજવી રહ્યાં છે. જ્યારે ત્રણ વાઘણ વહુઓ બની છે મૌના શાહ, કુંદન પટેલ અને પ્રિયંકા પટેલ.
આમ તો આપણી ગુજરાતીમાં કહેવાય છે કે ચાર ચોટલા ભાંગે ઓટલા. પણ અહીં ચાર ચોટલા ભેગા મળી એટલું હસાવશે કે તમે બેવડ વળી જશો. આ ત્રણ વાઘણોને સાથ આપી રહ્યા છે વાઘ જેવા રૂઆબદાર કલાકારો મનીન ત્રિવેદી, ચેતન ઠાકર અને જીતુ કોટક. ઉપરાંત શર્મા જી ગાંધીનગર અને કિરીટભાઇ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે વિશેષ ભૂમિકામાં દેખા દેશે ફિલ્મના નિર્માતા શરદ દેસાઈ.
વહુ વાઘણ તો સાસુ સિંહણને નિર્માતા શરદ દેસાઈ હેત્વી ફિલ્મના વિજય કિકાણીના સહયોગમાં બનાવી રહ્યા છે.