સુશાંત સિંહ રાજપુતના અકાળે થયેલા અવસાન બાદ નશો કરનારા અને ડ્રગ્ઝ વેચનારાઓ સમાચારોમાં ચમકી રહ્યા છે. દેશનું યુવાધન નશાની ચુંગાલમાં ફસાઈ રહ્યું છે. ડ્રગ્ઝના રવાડે ચડેલાઓને તેમની લત છોડાવવા નશા મુક્તિ કેન્દ્રમાં રાખવામાં આવે છે. પરંતુ અમુક નશા મુક્તિ કેન્દ્રની કાળી બાજુ પણ હોય છે જે એક નશેબાઝ ફિલ્મમાં દર્શાવાઈ છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક શનિવારે રિલીઝ કરાયો હતો. ગેબ્રિયલ વત્સ દિગ્દર્શિત-અભિનીત ફિલ્મથી ગીતાંજલિ શર્મા એની ફિલ્મી કરિયરની શરૂઆત કરી રહી છે. અન્ય કલાકારો છે ગોવિંદ નામદેવ, ધ્રુવ દેશવાલ, વિજય વિક્રમ સિંહ, મનોજ બક્શી અને અલકા અમીન. સ્નિપર એન્ટરટેઇન્મેન્ટ એલએલપી બેનર હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા છે નીરજ શર્મા. ફિલ્મ ઓક્ટોબર 2021માં રિલીઝ થશે.
એક નશેબાઝ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે જેના કેન્દ્રમાં છે નૂરી, રજનીશ અને ડ્રગ્ઝ રીહેબ સેન્ટર. મનોચિકિત્સક નૂરી ડ્રગ રીહેબ સેન્ટરના દરવાજે કદમ મુકે છે ત્યારે એક ધરબાયેલા પુસ્તકની અજાણી વાતો બહાર આવે છે. નૂરી રીહેબ સેન્ટરમાંથી રજનીશને મુક્ત કરાવવામાં તો સફળ રહે છે પણ એના દિલોદિમાગમાંથી પુનર્વસન કેન્દ્રની કાળી બાજુ કાઢવામાં નિષ્ફળ જાય છે.
લેખક-દિગ્દર્શક ગેબ્રિયલ વત્સે અગાઉ વિવાદાસ્પદ વિષય પુરુષ ગર્ભાવસ્થા પર આધારિત આઈ એમ મિસ્ટર મધર નામની ફિલ્મ બનાવી હતી. એક નશેબાઝના ફર્સ્ટ લૂકની રિલીઝ સમયે ગેબ્રિયલ વત્સે જણાવ્યુ કે, આપણ બધા કોઈ ને કોઈ પ્રકારનો નશો કરતા હોઇએ છીએ. નશાનું કારણ સમજવાની જરૂર છે. આ ફિલ્મ પુનર્વસન કેન્દ્રની કાળી બાજુને દર્શાવે છે. આજનો યુવાન એનું દુખ, દર્દ અને સંઘર્ષની વાતો કોઈને જણાવતો નથી. પોતાની વેદના મનમાં જ સંઘરી રાખે છે.