મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 22 ઓક્ટોબરથી રાજ્યના તમામ થિયેટરો કોવિડ-19ની માર્ગદર્શિકાના પાલન સાથે ખોલવાની જાહેરાત કરવાની સાથે બૉલિવુડમાં જાણે દિવાળીનો માહોલ સર્જાયો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ નિર્માતાઓમાં તેમની ફિલ્મની રિલીઝની તારીખ રિઝર્વ કરવાની હોડ મચી ગઈ. શનિવારે જ અક્ષય કુમાર અને કેટરિના કૈફ અભિનીત ફિલ્મ સૂર્યવંશીને 5 નવેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી. પાંચ નવેમ્બરે જ હૉલિવુડની ફિલ્મ ઇટર્નલ્સ પણ રિલીઝ થઈ રહી છે. આ બંને ફિલ્મોની રિલીઝની તારીખો આવેલી જોઈ રવિવારે સવારે તો નિર્માતાઓમાં ઉહાપોહ મચી ગયો.
કોરોનાની બીજી લહેરને પગલે અમલમાં મુકાયેલા લૉકડાઉનને કારણે ગયા વરસથી થિયેટરો બંધ છે. અનેક ફિલ્મો રિલીઝ માટે તૈયાર હોવા છતાં દર્શકો સુધી પહોંચી શકતી નહોતી. જે કોઈ નિર્માતા થિયેટર ખુલવાની રાહ જોઈ શકે એમ નહોતા તેમણે ઓટીટી પર ફિલ્મ રિલીઝ કરી. જોકે એવા પણ નિર્માતાઓ હતા જેઓ ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવા માગતા હોવાથી થિયેટર ખુલે એની રાહ જોઈ રહ્યા હતા. હવે મહારાષ્ટ્રમાં થિયેટર ખુલી રહ્યા છે ત્યારે નિર્માતાઓમાં આવતા વરસ સુધીના શુક્રવારની તારીખ બુક કરવાની હોડ મચી ગઈ.
મુખ્યપ્રધાનની જાહેરાતના બીજા દિવસે યશરાજ ફિલ્મ્સે એની ચાર ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર કરી કે એક જ દિવસમાં એટલે કે રવિવાર સાંજ સુધીમાં એકાદ ડઝન ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર થઈ ગઈ.
યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાએ રવિવારે તેમની જે ચાર ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર કરી એમાં બન્ટી ઔર બબલી-2 (19 નવેમ્બર 2021), પૃથ્વીરાજ (21 જાન્યુઆરી 2022), જયેશભાઈ જોરદાર (25 ફેબ્રુઆરી 2022), શમશેરા (18 માર્ચ 2022)નો સમાવેશ થાય છે.
યશરાજ બાદ તુરંત આમિર ખાને પણ એની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાને 11 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાની જાહેરાત કરી. દરમિયાન રણવીર સિંહે પણ આ વરસના ક્રિસમસની તારીખ ખાલી જોઈ એ દિવસે એની બહુપ્રતિક્ષિત ફિલ્મ 83ને 24 ડિસેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. તો અજય દેવગણે એની આગામી ફિલ્મ મે ડેને 29 એપ્રિલના રિલીઝ કરવાનું એલાન કર્યું. આ સિવાય આયુષ્માન ખુરાનાની ચંડીગઢ કરે આશિકી 10 ડિસેમ્બરના અને તડપ 3 ડિસેમ્બરે રિલીઝ થશે. રવિવારના સૌથી છેલ્લી રિલીઝ ડેટ રક્ષાબંધનની આવી. અક્ષય કુમારની આ ફિલ્મ આવતા વરસે 11 ઓગસ્ટે રિલીઝ કરાશે.
બૉલિવુડની સાથે હૉલિવુડની ફિલ્મો પણ કોરોના કાળ બાદ રિલીઝ થઈ રહી છે જેમાં જેમ્સ બૉન્ડ શ્રેણીની નો ટાઇમ ટુ ડાઈને તો 30 સપ્ટેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત અગાઉ થઈ ચુકી હતી. હવે ઘોસ્ટબસ્ટર્સ : આફ્ટર લાઇફને 19 નવેમ્બરે રિલીઝ કરાશે.
આ વરસે જે ફિલ્મો રિલીઝ થઈ રહી છે એમાં નો ટાઇમ ટુ ડાઈ (30 સપ્ટેમ્બર), ભવાઈ (1 ઓક્ટોબર), બેનમ : લેટ ધેર બી કાર્નેજ (15 ઓક્ટોબર), સૂર્યવંશી (4 નવેમ્બર), ઇટર્નલ્સ (4 નવેમ્બર), બન્ટી ઔર બબલી-2 (19 નવેમ્બર), ઘોસ્ટબસ્ટર્સ (19 નવેમ્બર), સત્યમેવ જયતે-2 (26 નવેમ્બર), તડપ (3 ડિસેમ્બર), ચંડીગઢ કરે આશિકી (10 ડિસેમ્બર), સ્પાઇડરમેન : નો વે હૉમ (17 ડિસેમ્બર), 83 (24 નવેમ્બર), પુષ્પા-2 (24 ડિસેમ્બર), જર્સી (31 ડિસેમ્બર) અને સર્કસ (31 ડિસેમ્બર)નો સમાવેશ થાય છે. જ્યારે શિદ્દત અને રશ્મિ રૉકેટ અનુક્રમે 1 અને 15 ઓક્ટોબરે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.