સિનેબસ્ટર સિને અવૉર્ડ્સ 2022ની ગૉલ્ડ-ડાયમંડ જડિત ટ્રોફીનું અનાવરણ

કાર્યક્રમમાં આણંદજીભાઈ, પ્રેમ ચોપરા, ઉદિત નારાયણ, શક્તિ કપૂર, અબ્બાસ મુસ્તન સહિત અનેક હસ્તી ઉપસ્થિત રહી હતી

જુહૂ સ્થિત પંચતારાંકિત હોટેલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વેટરન કલાકાર-કસબીઓનો જાણે મેળાવડો જામ્યો હતો. પ્રસંગ હતો સિનેબસ્ટર સિને અવૉર્ડ્સ 2022ની ટ્રોફીના અનાવરણનો. પર્લ ગ્રુપ ઑફ કંપનીઝના સ્થાપક અને સિનેબસ્ટર મેગેઝિનના મેનેજિંગ એડિટર રૉની રૉડ્રિક્સ દ્વારા આયોજિત ફંક્શનમાં એક સાથે અનેક ઉજવણી કરવામાં આવી હતી. મેગેઝિનની છઠ્ઠી એનિવર્સરી ઉપરાંત રૉનીનાં માતા અને તેમના બે જોડિયા પુત્રોની વરસગાંઠ પણ ધામધૂમથી મનાવવામાં આવી હતી.

આ અવસરે બૉલિવુડના લેજન્ડ કહી શકાય એવા સંગીતકાર આણંદજી શાહ (કલ્યાણજી-આણંદજી), પ્રેમ ચોપરા, ઉદિત નારાયણ, શક્તિ કપૂર,  સુજૉય મુખર્જી, બિશ્વજીત, અબ્બાસ મસ્તાન, વિશાલ જેઠવા, જિયા માણેક, ધીરજ કુમાર, બી. સુભાષ, સંગીતકાર દિલીપ સેન, લલિત પંડિત, પૂનમ ઝાંવર, સુનિલ પાલ, સુરેન્દ્ર પાલ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

18 સપ્ટેમ્બર, 2022ના યુનાઇટેડ આરબ અમિરાતના રાસ અલ-ખૈમાહ ખાતે યોજાનારા સિનેબસ્ટર સિને અવૉર્ડ્સ-2022 ખાતે બૉલિવુડના સિત્તેર જેટલા લેજન્ડ કલાકાર-કસબીઓ ઉપરાંત આ વરસમાં રિલીઝ થયેલી ફિલ્મોની વિવિઝ કેટેગરીમાં શ્રેષ્ઠ પર્ફોર્મ કરનારને પણ અવૉર્ડ આપી નવાજવામાં આવશે. સિનેબસ્ટર દ્વારા અપાનારી ટ્રોફી આકર્ષણનું કેન્દ્ર બની છે. હૉલમાર્ક ગૉલ્ડ અને વીવીએસ ડાયન્ડ જડેલી ટ્રોફી દરેક વિજેતાને આપવામાં આવશે.

આ પ્રસંગે રૉની રૉડ્રિક્સે કહ્યું કે, વિદેશમાં સિનેબસ્ટર સિને અવૉર્ડ્સ શરૂ કરવાનો ઉદ્દેશ વિશ્વ સ્તરે ભારતીય ફિલ્મોને પ્રોત્સાહન આપવાનો છે. એ સાથે તેમણે ઉમેર્યું કે, છેલ્લા છ વરસથી અમારા વાચકો તરફથી મળી રહેલી પ્રતિક્રિયાઓથી અમે અભિભૂત છીએ. હું એક એવો મંચ પૂરો પાડવા માટે સક્ષમ બન્યો છું જેમાં ભારતીય સિનેમા, ફૅશન, ટેલિવિઝન ઉપરાંત દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક સાથે લાવવામાં સફળ રહ્યો એનો મને આનંદ છે. એ સાથે તેમણે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે આવતા વરસે અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ સામેલ કરશું. અમે તમામ પ્રાદેશિક ફિલ્મોના સર્જકો-કલાકારોને પ્રોત્સાહન આપવા માગીએ છીએ.

Exit mobile version