ફિલ્મી ઍક્શનમાં થોડા સમય અગાઉ બૉલિવુડ હોય કે હૉલિવુડ… લાઇફ બિગિન્સ એટ ફોર્ટી લેખ પ્રસિદ્ધ કર્યો હતો. સામાન્ય વાચકથી લઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓએ તેમના પ્રતિભાવો ફોન કરીને કે વૉટ્સઍપ દ્વારા આપ્યા હતા. અનેક મહાનુભાવોએ જણાવ્યું કે, વયની સાથે આવેલી પીઢતાનું પ્રતિબિંબ ફિલ્મની દરેક ફ્રેમમાં જોવા મળતું હોય છે. પહેલાં લેખમાં પણ જણાવ્યું હતું કે, અહીં નાની વયના સર્જકોને ઉતારી પાડવાનો કે તેમનામાં સર્જનતાનો અભાવ છે એવું કહેવાનો આશય નથી. અપવાદરૂપ ચાલીસથી નાની વયના સર્જકોએ હિટ ફિલ્મ આપી હશે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે સ્વતંત્ર દિગ્દર્શક બનવા અગાઉ ફિલ્મના દરેક પાસાનો પૂરતો અનુભવ લેનાર ડિરેક્ટર તરીકે લાંબી ઇનિંગ રમી શકે છે.

ઘણાએ ફોન અને વૉટ્સઍપ પર જણાવ્યું કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલાં શોમેન રાજ કપૂર ચોવીસ વરસના હતા ત્યારે આહનું દિગ્દર્શન કર્યું હતું અને હિન્દી ફિલ્મોના ટોચના દિગ્દર્શકોમાં સ્થાન પામ્યા હતા. વાત સાચી છે. પણ સ્વતંત્ર દિગ્દર્શક બનવા અગાઉ તેમણે લાંબો સમય એ સમયના ટોચના દિગ્દર્શક કેદાર શર્માના સહાયક તરીકે કામ કર્યું હતું. તમને નવાઈ લાગશે કે પૃથ્વીરાજ કપૂરના દીકરા હોવા છતાં સેટ પર કરેલી ભૂલને પગલે આરકેએ કેદાર શર્માના હાથનો લાફો પણ ખાધો હતો.

બીજી એક મહત્ત્વની વાત. કોઈએ વેબ સિરીઝ, સિરિયલ કે શોર્ટ ફિલ્મ ડિરેક્ટ કરી હોય એનો મતલબ એ નથી કે એ ફીચર ફિલ્મ પણ ડિરેક્ટ કરી શકે છે. આ તમામ માધ્યમમાં લાઇટ… કેમેરા… ઍક્શન હોવા છતાં ત્રણેમાં જમીન આસમાનનો તફાવત છે. વેબ સિરીઝ મોબાઇલ સ્ક્રીન માટે છે તો સિરિયલ ટીવીના સ્ક્રીનને ધ્યાનમાં રાખી બનાવાય છે. અને આ બંનેનો આનંદ ઘરે બેસીને માણી શકાય છે. જ્યારે ફિલ્મ થિયેટરના સિનેમાસ્કૉપ કે 70 એમએમના પરદા પર જોવાનો લ્હાવો જ અનેરો હોય છે.

હવે વાત કરીએ ઇન્સ્ટીટ્યુટમાં કોર્સ કરીને આવેલા દિગ્દર્શકની. અગાઉ ઇન્સ્ટીટ્યુટ ન હોવાથી ફિલ્મ દિગ્દર્શનથી લઈ એડિટિંગ સહિતના કોઈ પણ વિભાગની ટ્રેનિંગ માટે સહાયક તરીકે કામ કરવું અનિવાર્ય હતું. જોકે ૧૯૬૦માં પુણેસ્થિત ફિલ્મ ઇન્સ્ટીટ્યુટની શરૂઆત થયા બાદ ત્યાં ટ્રેનિંગ લઈ આવેલા દિગ્દર્શકોએ પણ કોઈના સહાયક તરીકે કામની શરૂઆત કર્યા બાદ સ્વતંત્ર દિગ્દર્શક બન્યા હતા.

બૉલિવુડની વિખ્યાત દિગ્દર્શક બેલડી અબ્બાસ મુસ્તનના અબ્બાસભાઈના બંને દીકરા હૉલિવુડમાં ડિરેક્શનનો કોર્સ કર્યો છે. આમ છતાં તેઓ બે વરસથી અલગ અલગ દિગ્દર્શકના હાથ નીચે પ્રેક્ટિકલ તાલિમ લઈ રહ્યા છે. કોઈ પણ ફિલ્ડ હોય પ્રેક્ટિકલ અનુભવ લીધા વગર યો હોમ કરવું એ પોતાના પગ પર કુહાડો મારવા જેવુ છે.

બૉલિવુડના ટોચના એવા દિગ્દર્શકો પર એક નજર કરીએ જેમણે એ સમયના જાણીતા સર્જકો પાસે ડિરેક્શનની એબીસી શીખ્યા હોય. જૂના જમાનાની વાત કરીએ તો રાજ ખોસલાએ ગુરૂ દત્તના સહાયક તરીકે શરૂઆત કરી હતી. જ્યારે ગોલ્ડી-વિજય આનંદ તેમના મોટા ભાઈ ચેતન આનંદના સહાયક તરીકે કામ કરી ચુક્યા હતા. તો બેતાબ, લવ સ્ટોરી જેવી સુપર હિટ ફિલ્મો આપનાર રાહુલ રવેલના એચ.એસ. રવેલના દીકરા હોવા છતાં  તેઓ રાજ કપૂરના સહાયક બન્યા હતા. એ જ રીતે જે. પી. દત્તા પણ રાજ કપૂરના ચેલા હતા.

તો અમિતાભ બચ્ચન સાથે અગ્નિપથ, હમ અને ખુદાગવાહ જેવી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કરનાર મુકુલ એસ. આનંદ તો અનેક દિગ્દર્શકોના સહાયક રહી ચુક્યા હતા. એક સમયના ટોચના દિગ્દર્શક પી.એલ. સંતોષીના પુત્ર રાજકુમાર સંતોષી ગોવિંદ નિહલાનીના હાથ નીચે ઘડાયા હતા. જ્યારે પદ્માવત, દેવદાસ, બાજીરાવ મસ્તાની, હમ દિલ દે ચુકે સનમ જેવી ભવ્ય ફિલ્મો બનાવવા માટે વિખ્યાત સંજય લીલા ભણશાળી દિગ્દર્શનના પાઠ  વિધુ વિનોદ ચોપરા પાસે શીખ્યા હતા. તો રાજકુમાર હિરાણી વિધુ વિનોદ ચોપરા અને સંજય લીલા ભણશાળીના સહાયક રહી ચુક્યા હતા. અબ્બાસ મુસ્તને પણ સ્વતંત્ર દિગ્દર્શક બનવા અગાઉ મેહુલ કુમારના સહાયક તરીકે કામ કર્યું હતું.

કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્સ્ટીટ્યુટમાં લીધેલી તાલીમ એળે જતી નથી. ઇન્સ્ટીટ્યુટમાં ભલે ફિલ્મો બનાવી હોય પણ કૉમર્શિયલ ફિલ્મના સ્વતંત્ર દિગ્દર્શક બનવા પહેલા કોઈ અનુભવી દિગ્દર્શકના સહાયક તરીકે કામ કર્યું હોય તો તેમની પાસેથી મળેલી દરેક પ્રકારની ટેક્નિકલ જાણકારી ભવિષ્યમાં ઘણી ઉપયોગી નીવડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here