અંગ્રેજીના જાણીતા ફિલ્મ મેગેઝિન સિને બસ્ટરના સર્વેસર્વા રૉની રોડ્રિક્સે સિને બસ્ટર અવૉર્ડની જાહેરાત કરતા કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને માન-સન્માન અપાવનારા પચાસેક કલાકાર-કસબીઓને ટ્રોફી આપી સન્માનવામાં આવશે. ઉપરાંત આ વરસે રિલીઝ થયેલી ફિલ્મોને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપનારને ટ્રોફી આપવામાં આવશે. શ્રેષ્ઠ કલાકાર-કસબીની પસંદગી ઇન્ડસ્ટ્રીના મહાનુભાવોની એક જ્યુરી દ્વારા કરવામાં આવશે.
મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલમાં આયોજિત કાર્યક્રમમાં દિલીપ સેન, સુનિલ પાલ, રાજીવ ચૌધરી, આનંદ-મિલિંદ, મેહુલ કુમાર, સુધાંશુ પાંડે, રાજશ્રી પ્રોડક્શનના ગુપ્તાજી સહિત બૉલિવુડ અને ટેલિવુડના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પર્લ ગ્રુપ ઑફ કંપનીઝના સ્થાપક અને ચેરમેન રૉની રોડ્રિક્સ સિને બસ્ટર મેગેઝિન પ્રાઇવેટ લિમિટેડના એડિટર-ઇન-ચીફ અને પબ્લિશર પણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રોફીનું અનાવરણ 6 જૂન, 2022ના સિને બસ્ટરની છઠ્ઠી એનિવર્સરીએ એક રંગારંગ કાર્યક્રમમાં કરવામાં આવશે. ટ્રોફી અંગે જણાવતા રૉનીએ કહ્યું કે, મનોરંજનની દુનિયામાં પહેલીવાર વિજેતાને હૉલમાર્ક સોનાની વીવીએસ હીરા જડેલી ટ્રોફી એનાયત કરાશે. જે લોકોએ ઇન્ડસ્ટ્રીને આટલી ઉંચાઈએ પહોંચાડી છે તેમને હાલ કોઈ યાદ કરતું નથી. સિને બસ્ટર આ કલાકાર-કસબીઓના યોગદાનને ટ્રોફી એનાયત કરી તેમના કાર્યને બિરદાવશે. અવૉર્ડની શરૂઆત અમે બૉલિવુડ અને ટોલિવુડથી કરી રહ્યા છીએ. હિન્દી અને સાઉથની ફિલ્મોના કલાકાર-કસબીઓને સન્માનવામાં આવશે.
અવૉર્ડ ફંક્શન 18 સપ્ટેમ્બરે યુનાઇટેડ આરબ અમિરાતના રસ-અલ-ખૈમાહ ખાતે યોજાશે. અવૉર્ડ ફંક્શન માટે મુંબઈથી ત્રણસોથી વધુ મહેમાનોને ખાસ દુબઈ લઈ જવાશે. તમામ મહેમાનોની આવવા-જવાની સાથે રસ-અલ-ખૈમાહમાં રહેવાની સાથે અવૉર્ડ ફંક્શનના આયોજનની જવાબદારી દિપેશ ટુર્સના દિપેશ સોમૈયાએ કરી છે.
અવૉર્ડ માત્ર બૉલિવુડ અને ટોલિવુડ પૂરતો જ સીમિત છે કે અને પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આવરી લેવાશે? પ્રશ્નના જવાબમાં સિને બસ્ટરના સર્વેસર્વા રૉની રોડ્રિક્સે ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે, અમે શરૂઆત હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરી છે પણ આવતા વરસે અમે ગુજરાતી અને બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ કરશું.
સિને બસ્ટર દ્વારા જે વેટરન કલાકાર-કસબીઓને અવૉર્ડ આપી નવાજમાં આવશે તેમાં…
કલાકારો (32 અવૉર્ડઝ)
શત્રુઘ્ન સિન્હા, અમિતાભ બચ્ચન, રજનીકાંત, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, કમલ હસન, મોહન બાબુ, ચિરંજીવ, નાગાર્જુન, નંદામુરી બાલકૃષ્ણ, રણધીર કપૂર, મિથુન ચક્રવર્તી, સલીમ ખાન, જાવેદ અખ્તર, પ્રેમ ચોપરા, રણજીત, ડેની ડેન્ઝોંગ્પા, વહીદા રહેમાન, આશા પારેખ, શર્મિલા ટાગોર, બબિતા કપૂર, મુમતાઝ, તનુજા, હેમા માલિની, શબાના આઝમી, નીતુ સિંહ કપૂર, જયા બચ્ચન, રેખા, સિમી ગરેવાલ, ઝીનત અમાન, હેલન, પદ્મિની કોલ્હાપુરે
પ્રોડક્શન હાઉસ (7 અવૉર્ડ્ઝ)
રાજશ્રી પ્રોડક્શન્સ, રાજ ખોસલા ફિલ્મ્સ, જૉય મુખર્જી પ્રોડક્શન્સ, આર.કે. ફિલ્મ્સ, રમેશ સિપ્પી ફિલ્મ્સ, જે. ઓમ પ્રકાશ, મનમોહન દેસાઈ પ્રોડક્શન્સ.
સંગીત નિર્દેશકો (7 અવૉર્ડ્ઝ)
લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી, દિલીપ સેન, સમીર અંજાન, શિવ-હરિ, આનંદ-મિલિંદ, રાજેશ રોશન.
પ્લેબેક સિંગર્સ (10 અવૉર્ડ્ઝ)
અલકા યાજ્ઞિક, અનુરાધા પૌડવાલ, સાધના સરગમ, કુમાર સાનુ, ઉદિત નારાયણ, કવિતા કૃષ્ણમૂર્તિ, સોનુ નિગમ, હરિહરન, અમિત કુમાર, અનુપ જલોટા.