પંકજ ત્રિપાઠી, કુલભૂષણ ખરબંદા, અલી ફઝલ અભિનીત મિર્ઝાપુરની આગલી બંને સીઝન સુપરહિટ રહી હતી. બીજી સીઝન પત્યા બાદ દર્શકો ત્રીજી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે જાણવા મળ્યા મુજબ મિર્ઝાપુર સીઝન-3માં કાલીન ભૈયા, ગુડ્ડુ પંડિત ઉપરાંત મુન્ના ભૈયા અને બીના ત્રિપાઠી (રસિકા દુગલ) પણ જોવા મળશે. જોકે વાર્તાને વધુ રોચક બનાવવા નવા કલાકારોને પણ ત્રીજી સીઝનમાં લેવામાં આવ્યા છે. આવા જાણીતા-અજાણ્યા કલાકારોનો એક ફોટો રસિકા દુગલે એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે.
મિર્ઝાપુરની ત્રીજી સીઝનમાં નવા અને જૂના ચહેરાઓની ઝલક ફોટોમાં જોવા મળે છે. નવી સીઝનમાં પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ સાથે શ્વેતા ત્રિપાઠી શર્મા, રસિકા દુગલ, વિજય વર્મા, હર્ષિતા ગૌર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પેન્યુલી, શીબા ચઢ્ઢા અને રાજેશ તેલંગ જોવા મળશે. આ સિરીઝમાં કાલીન ભૈયા અને ગુડ્ડુની દુશ્મની હવે નવા અંદાજમાં જોવા મળશે.
મિર્ઝાપુર-3ની સ્ટારકાસ્ટનો ફોટો શેર કરવાની સાથે રસિકાએ કૅપ્શનમાં લખ્યું હતું કે, વીતેલી રાત અંગે… જાણીતા અને અજાણ્યા લોકોની સાથે અમુક સંબંધોને ફરી રિક્રિએટ કરતા નવા સંબંધો બનાવતા.
જોકે રસિકા દુગલે ફોટો સાથે સિરીઝ ક્યારે રિલીઝ થશે એની તારીખ જાહેર કરી નહોતી. હવે સિરીઝ જેના પર રિલીઝ થવાની છે એ પ્રાઇમ વિડિયો તારીખ ક્યારે જાહેર કરશે એની રાહ જોવી રહી.