બૉલિવુડ હોય કે પ્રાદેશિક ફિલ્મો, બાળકો કેન્દ્રમાં હોય એવી ઘણી ઓછી ફિલ્મો બને છે. નાના બાળકોમાં જોવા મળતી ડિસલેક્સિયા જેવી બિમારી પર જૉ સુપરહિટ ફિલ્મ તારે ઝમીં પર બની શકતી હોય અને માતા-પિતા સહિત ઘરની તમામ વ્યિક્તિમાં જાગૃતિ લાવવાનું કામ કરી શકતી હોય તો બાળકોની સમસ્યા હોય કે તેમની માનસિકતા, એવા અનેક વિષયો છે જેના પર ફિલ્મ બનાવી લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય.
બાળકોની કૉમન સમસ્યાને કેન્દ્રમાં રાખી નિર્માતા ધર્મેશ પંડિત અને ઉમેશ મિશ્રા એક મજેદાર ફિલ્મ યારોં વી આર ધ બેસ્ટ લઈને આવી રહ્યા છે. ફિલ્મમાં બે કુટુંબ જેમાં એક અમિર અને બીજો ગરીબ પરિવાર અને તેમના સંતાનની વાત છે.
અમિર પિતાનો પુત્ર અજય અને ગરીબ પિતાનો રઘુ એક જ સ્કૂલમાં ભણે છે. બંને બાળકો ભણવામાં અવ્વલ છે. આમ છતાં અજય અને રઘુના માતા-પિતા તેમને ભણતરની સાથે સ્પોર્ટ્સમાં પણ પહેલા નંબરે આવવાનું દબાણ કરતા રહે છે. પ્રેશર એટલું જબરજસ્ત છે કે બંને એકબીજાના કૉમ્પિટિટર બની જાય છે. એટલું જ નહીં, તેઓ કોઈ પણ સંજોગોમાં એક-બીજાને માત આપવા કોઈ કસર છોડતા નથી પછી એ પરીક્ષા હોય કે રમત. દરમ્યાન સ્કૂલના સ્પોર્ટ ડેમાં દોડવાની હરીફાઈમાં બંને એક બીજાને માત આપવા કમર કસે છે. પણ અજય એક એવી ચાલ ચાલે છે કે રઘુની જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. જોકે વિજેતા બન્યા બાદ અજયને પસ્તાવો થાય છે અને રઘુની માફી માગે છે. એક બીજાના કટ્ટર હરીફ હવે જીગરજાન મિત્ર બની જાય છે. જોકે તેમની વચ્ચે ખલનાયક બનીને આવે છે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલ જેમાં તેઓ ભણતા હોય છે.
ફિલ્મના કેન્દ્રમાં છે દીકરાને પોતાની મરજીથી કંઇક બનાવવાની મથામણ કરતા વાલિઓ બાળકો પર એટલું દબાણ લાવતા હોય છે કે તેઓ હતાશામાં સરી પડે છે કે બળવાખોર બની જાય છે. આ વાત યારોં વી આર બેસ્ટમાં બખૂબી દર્શાવવામાં આવી છે.
બાળ દિન નિમિત્તે યોજાયેલા ફિલ્મના ખાસ શોમાં ૪૦૦થી વધુ બાળકોએ ફિલ્મને માણી હતી. શો પત્યા બાદ ફિલ્મના મ્યુઝિક રિલીઝની ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું હતું જ્યાં ફિલ્મ પત્રકારોના હસ્તે મ્યુઝિક લૉન્ચ કરાયું હતું.
ફિલ્મમાં વિક્રમ ગોખલે,. દિપન્ન્નિતા શર્મા અટવાલ, અનંગ દેસાઈ, જૉય સેનગુપ્તા, સુપ્રિયા કર્ણિક, સુલભા આર્યા, વિરેન્દ્ર સક્સેના, યશ ઘાણેકર, જ્યોતિ હૌબા, વિજ કશ્યપ અને બ્રિજેન્દ્ર કાલા જેવા ધરખમ કલાકારોએ તેમનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે. ફિલ્મ રિલીઝ કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે.