નેવુંના દાયકામાં અનેક સફળ થ્રિલર નાટકો આપનાર હોમી વાડિયા ફરી એકવાર નખશીખ ગુજરાતી થ્રિલર ડંખ લઈને આવ્યા છે. નાટક એક એવા સંબંધની વાત કરે છે જેને સમાજ લગ્નબાહ્ય તરીકે જુએ છે. પરંતુ સંબંધોમાં વિશ્વાસ અને ભરોસો ચરમસીમાએ હોય ત્યારે જ પ્રાણથી પ્યારી વ્યક્તિ વિશ્વાસઘાત કરે તો…?

મૂળમાં આ ભાવના સાથે ખુરસી પર જકડી રાખે એવી માવજત સાથે તૈયાર થયેલું નાટક એટલે કે ડંખ. એક એવું નાટક જેમાં વિશ્વ વિખ્યાત હર્પિટોલોજિસ્ટ એટલે કે સરિસૃપ અને સાપના ઝેર પર સંશોધન કરનાર વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હોય. અને એ સર્પ નિષ્ણાતને થયેલા વિશ્વાસઘાતના ડંખની જાણ જ ન હોય છતાં અજાણતા એ એક ખતરનાક ષડયંત્રમાં ફસાય. એટલું જ નહીં, ષડયંત્રનું હથિયાર અને મારણ એક ખતરનાક ઝેરી સાપ હોય તો શું થાય? પળે પળે ઉત્કંઠતા વધારનાર નાટકને રોચક અને રૂંવાટા ખડા કરી દે એવું બનાવે છે સ્ટિરિયોફોનિક સાઉન્ડ અને અલ્ટ્રાવાયોલેટ ઇફેક્ટ.

નાટકના મુખ્ય પાત્રો છે ઇશાન (પાર્થ દેસાઈ), તાનિયા (લીના શાહ) અને આદિત્ય દીવાન (ધર્મેશ વ્યાસ). તાનિયા ઍડવોકેટ ઈશાનના ગળાડૂબ પ્રેમમાં છે. બંનેની રહેણીકરણી એવી છે કે કોઈ પણ માની લે કે બંને પતિ-પત્ની છે. જોકે તાનિયા અને ઈશાન લગ્ન કરવા પણ માંગતા નથી. પરંતુ બંનેને સતાવી રહ્યો છે એક છૂપો ડર. અને આ ડરને કારણે જ બંને તેમના ભૂતકાળને તેમની જિંદગમાંથી ભૂંસવા માગે છે.

દરમ્યાન, તાનિયાને જાણ થાય છે કે આફ્રિકાની જેલમાં સજા કાપી રહેલા એના પતિ આદિત્ય દીવાનને ત્યાંની સરકારે છોડી મૂક્યો છે અને પાછો ભારત આવી રહ્યો છે. પાછા ફરી રહેલા પતિને ઈશાન સાથેના સંબંધોની જાણ ન થાય એ માટે બધું સગેવગે કરવા મંડી પડે છે. તેમના સંબંધોની જાણ આદિત્યને કોઈ હિસાબે ન થવી જાઇએ એ જ તેમનો ઉદ્દેશ હતો. આમ છતાં બંનેના મનમાં રહેલો છૂપો ભય એમને ડરાવી રહ્યો છે. તો આદિત્યને પણ લાગે છે કે એ પાછો તો આવ્યો પણ સંબંધોમાં ઉષ્મા રહી હોય એવું લાગતું નથી. આદિત્ય એનું કારણ શોધી રહ્યો છે તો ઈશાન-તાનિયા આદિત્યને એ દિશામાં આગળ વધતો અટકાવવાના તમામ પ્રયાસો કરે છે.

સાથિયા બેનર હેઠળ નિર્માતા દિપક ગોહિલ, પાર્થ દેસાઈના ડંખના પ્રસ્તુતકર્તા છે ચિત્રક શાહ, કિરણ માલવણકર. નાટકનો શુભારંભ પ્રયોગ રવિવાર ૧૭ નવેમ્બરે થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here