જપાનના અબજોપતિ યુસાકુ માએજાવા સાથે સ્પેસ-એક્સ અંતરિક્ષ યાનમાં ચંદ્રની મુલાકાતે જનારા અન્ય આઠમાં મૂળ અમદાવાદના અને બાલવીર સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કલાકાર દેવ જોશી પણ સામેલ છે. શુક્રવારે આ અંગેની જાણકારી માએજાવાએ આપી હતી.
જપાનના ઉદ્યોગપતિએ 2018માં અંતરિક્ષ યાનની બધી ટિકિટો ખરીદી ચંદ્રની મુલાકાતે જવાની યોજના બનાવી હતી. તેમણે માર્ચ 2021માં દુનિયાભરથી અરજીઓ મગાવી હતી. આ અગાઉ યુસાકુ માએજાવા રશિયાના અંતરિક્ષ યાન સોયુઝ દ્વારા સ્પેસ સ્ટેશનની બાર દિવસની યાત્રા કરી હતી. આ તેમની બીજી અંતરિક્ષ યાત્રા હશે. માએજાવાએ આ ટુરને ડિયર મૂન નામ આપ્યુ છે.
આ સિવાય ફોટોગ્રાફર કરીમ ઇલિયા, ચેક રિપબ્લિકના કલાકાર યેમી એડી અને આયર્લેન્ડના ફોટોગ્રાફર રિયાનોન એડમ પણ ટીમમાં સામેલ હશે. ઉપરાંત અમેરિકાના ઓલિમ્પિકના ખેલાડી કેટલિન ફેરિંગ્ટન અને જપાનના ડાન્સર મિયુને સ્ટેન્ડ બાય તરીકે પસંદ કરાયા છે. જો પહેલી પસંદના આઠમાંથી કોઈ જઈ નહીં શકે તો સ્ટેન્ડ બાયમાંથી કોઈને યાત્રાએ જવાનો લ્હાવો મળશે.
પ્રસ્તાવિત ફ્લાઈ-બાય ચંદ્રની ધરતીથી બસો કિલોમીટરના અંતરે ચક્કર લગાવશે. યાન ચંદ્રની મુલાકાત લઈ આઠ દિવસ બાદ પૃથ્વી પર પાછું ફરશે.
જાણવા મળ્યા મુજબ જે રૉકેટમાં પૂરી ટીમ જવાની છે એ એલન મસ્કની સ્પેસ-એક્સ કંપનીના સ્ટારશિપ રૉકેટને અમેરિકન પ્રશાસને પરવાનગી આપી નથી. મે 2021માં એકવાર પરીક્ષણ કરાયા બાદ સ્પેસ શટલને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની પરવાનગી મળી ન હોવાથી યાન દોઢેક વરસથી ટેક્સાસમાં રાખવામાં આવ્યું છે.