72 હૂરેં ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનો સેન્સર બૉર્ડે કર્યો ઇનકાર : નિર્માતાએ ટ્રેલરને ઑનલાઇન કર્યું રિલીઝ

સેન્સર બૉર્ડમાં કંઇક તો ગરબડ છે અને પ્રસૂન જોશીએ આનો જવાબ આપવો જોઇએ.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ બહુપ્રતિક્ષિત ફિલ્મ 72 હૂરેંના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાની મનાઈ કરતા રચનાત્મક સ્વતંત્રતા અને સેન્સરશિપ અંગે ફરી વિવાદનો મધપૂડો છેડાયો છે. ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરળ સ્ટોરી બાદ એક ઓર ફિલ્મ આવી રહી છે જે ધર્મના નામે ફેલાવાતા આતંકવાદનો પર્દાફાશ કરે છે, એક હકીકતની રજૂઆત કરે છે. 72 હૂરેં નામની ફિલ્મ અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે એમાં સેન્સર બૉર્ડે ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકટ આપવાનું નકારતા વિવાદ ઓર વકર્યો છે.

72 હૂરેં સાત જુલાઈ, 2023ના રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મ અંગે અત્યારથી જ નવો વિવાદ શરૂ થયો છે. સેન્સર બૉર્ડે ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનું નકારતા ફિલ્મના સહનિર્માતા અશોક પંડિતનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. આજે (બુધવારે) અંધેરી સ્થિત ધ ક્લબમાં ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યા બાદ અશોક પંડિતે જણાવ્યું કે, અમે અક મૃતદેહના પગને બતાવ્યો હતો જેને કુરાનનો સંદર્ભ આપી સેન્સર બૉર્ડે હટાવવા જણાવ્યું હતું. પશુ કલ્યાણ સંબંધિત પણ અમુક બાબત હતી પણ એ મહત્ત્વની નથી. મહત્ત્વની વાત એ છે આ એક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ છે, એને તમે સેન્સર સર્ટિફિકટ પણ આપી દીધું છે. ટ્રેલરમાં એજ દૃશ્ય જે ફિલ્મમાં પણ છે તો એને તમે રિજેક્ટ કેવી રીતે કરી શકો? એટલે અમે ટ્રેલરને સોશિયલ મીડિયા પર રિલીઝ કરી રહ્યા છીએ.

સેન્સર બૉર્ડના નિર્ણય અંગે નારાજી વ્યક્ત કરતા અશોક પંડિતે જણાવ્યું કે, ત્યાં બેઠેલા લોકો કોણ છે? આ ઘણો ગંભીર વિષય છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકટ ન આપવાના નિર્ણય માટે સેન્સર બૉર્ડના તમામ અધિકારીઓ જવાબદાર છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના ભારતીય પેનોરમા વિભાગમાં પણ પુરસ્કાર મળ્યો છે. તમે એ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાનું કેવી રીતે નકારી શકો? સેન્સર બૉર્ડમાં કંઇક તો ગરબડ છે અને પ્રસૂન જોશીએ આનો જવાબ આપવો જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર સંજય પુરણ સિંહ ચૌહાણ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ ગુલાબ સિંહ તંવર, કિરણ ડાગર, અનિરુદ્ધ તંવરે કર્યું છે. જ્યારે અશોક પંડિત ફિલ્મના સહનિર્માતા છે.

જાણવા મળ્યા મુજબ ફિલ્મમાં ધર્મના નામે બ્રેઇનવૉશ કેવી રીતે કરવામાં આવે છે એ દર્શાવવામાં આવ્યુ છે. ખાસ કરીને જેહાદના નામે આત્મઘાતી હુમલો કરનારાઓ માટે 72 હૂરોંવાળી બાબત પણ દર્શાવવામાં આવી છે. આને પગલે અમુક મુસ્લિમ ધર્મ ગુરુઓ અને નેતાઓએ ફિલ્મની નિંદા કરી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે ફિલ્મ ઇસ્લામ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તો અમુકનું કહેવું છે કે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મુકાવો જોઇએ.

સંજય પુરણ સિંહ ચૌહાણ દિગ્દર્શિત 72 હૂરેં અંગ્રેજી સહિત દસ ભાષાઓ, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, બંગાળી, પંજાબી, મરાઠી, ભોજપુરી, કાશ્મીરી અને આસામી ભાષામાં રિલીઝ કરાશે. ફિલ્મમાં પવન મલ્હોત્રાએ હાકિમ અલી અને આમિર બશિરે બિલાલ અહમદનું પાત્ર ભજવ્યુ છે.

ટ્રેલર લિન્ક

https://youtu.be/5gH3NG2VIug

Exit mobile version