શૂટિંગ શરૂ થયા બાદ અનેક ફિલ્મી હસ્તીઓના ટેસ્ટ પોઝિટિવ આવતા ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાએ જોર પકડ્યું

દિવસો સુધી ચાલેલી મંત્રણા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિર્માતા-દિગ્દર્શક-કલાકાર અને કામગારોના યુનિયનોની મેરેથોન મીટિંગ બાદ સરકાર સાથે થયેલી વાતચીતના અંતે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશન અને મર્યાદિત યુનિટ સાથે શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી. ત્રણેક મહિનાથી સુષુપ્ત થયેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા જોમ સાથે શૂટિંગની તૈયારી કરવા લાગી. સરકારે આપેલી માર્ગદર્શિકાને અનુસરી જુલાઈના બીજા અઠવાડિયાથી અનેક સિરિયલ-વેબ સિરીઝના શૂટિંગની સાથે પોસ્ટ પ્રોડક્શનના કામની શરૂઆત થઈ.

માર્ચ મહિનાથી શરૂ થયેલા લૉકડાઉને દરેકની આર્થિક રીતે કમર ભાંગી નાખી હતી. પરંતુ જુલાઈના પહેલા અઠવાડિયાથી શૂટિંગ શરૂ થતાં ચૅનલથી લઈ નિર્માતા, કલાકારોની સાથે કામદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હજુ શૂટિંગની સાથે પોસ્ટ પ્રોડક્શન શરૂ થયાને માંડ બે-પાંચ દિવસ થયા હશે ત્યાં માઠા સમાચાર આવવાની શરૂઆત થઈ. અમિતાભ બચ્ચનને કોરોના હોવાનુ ખુદ અભિનેતાએ જણાવ્યું. એ પછી તો અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. તો કસૌટી જિંદગી કીનું શૂટિંગ શરૂ કરનાર સિરિયલના લીડ એક્ટર પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ખુદ પાર્થે જણાવ્યું. તો અનુપમ ખેરે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના પરિવારના ત્રણ સભ્યોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આને કારણે એક સવાલ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાવા લાગ્યો છે કે શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી અનલૉક કરવામાં ક્યાંક ઉતાવળ તો નથી થઈને?

અમિતાભ બચ્ચને તેમના ઘરે કૌન બનેગા કરોડપતિનો પ્રોમો શૂટ કર્યો હતો. તો અભિષેક બચ્ચન તેમની વેબ સિરીઝ બ્રીધ ઇનટુ ધ શેડોઝનું ડબિંગ કરવા ગયો હતો. તો ઐશ્વર્યા અને આરાધનાના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વિદ્યા બાલન અને અક્ષય કુમાર જાહેરાતના શૂટિંગ માટે સેટ પર ગયા હતા.

અમિત સાધ પણ અભિષેક સાથે સિરીઝના ડબિંગમાં ગયો હતો. એણે ટ્વીટર પર જણાવ્યું કે સાવચેતીના પગલાં તરીકે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો છે. એ સાથે એણે કબુલ્યું હતું કે કામ માટે બહાર નીકળવું એ થોડું વહેલું કહી શકાય. આને આપણે એક ચેતવણી તરીકે ગણવી જોઇએ. આ બેધારી તલવાર જેવું છે, આપણે કામ શરૂ પણ કરવું છે અને એની સાથે દુનિયાની ગાડી પાટે ચઢે એવું પણ ઇચ્છીએ છીએ. જોકે આપણે થોડી ઉતાવળ કરી, હજુ થોડી રાહ જોવાની જરૂર હતી. જોકે હવે એ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે, એમ અભિનેતાએ જણાવ્યું હતું.

અત્યારે આપણે એવા દોરમાંથી ગુજરી રહ્યા છીએ જ્યારે કેસીસ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. તમે ગમે તેટલા સાવચેતીનાં પગલાં લો, ઘડીના છઠ્ઠા ભાગમાં ચેપ લાગી શકે છે. જે કેસ નોંધાયા છે એને કારણે આપણે ભીંત સરસા થયા છીએ. હવે જે કોઈ નિર્ણય લેવો હશે તો એ ઘણો સમજી-વિચારીને લેવો પડશે, એમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ટ્રેડ એક્સપર્ટે જણાવ્યું હતું.

જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોની દલીલ છે કે આવા છૂટાછવાયા કેસને કારણે કામ બંધ ન કરાય. એક અગ્રણી દિગ્દર્શક જેમણે લૉકડાઉનમાં શૂટિંગ કર્યું હતું તેમનું કહેવુ છે કે, આપણે કામ શરૂ કરવું જ પડશે. તમે બહાર આવશો અને સંપર્કમાં આવશો તો કેસ વધવાના છે. આપણે સાવચેતીના પૂરતા પગલાં લઈ આગળ વધવાનું છે. કોવિડ-19ના આંકડાઓને જોશો તો રિકવરી રેટ પણ વધુ છે, આપણે ભયભીત થવું ન જોઈએ, હંમેશ કોઈને કોઈ મુસીબત તો રહેવાની જ. જીવન ચલને કા નામ… કલાકારો પોસ્ટ પ્રોડક્શન માટે જઈ રહ્યા છે એ આવકાર્ય પગલું છે.

તાજેતરમાં ભાભીજી ઘર પર હૈની હેરડ્રેસરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. જોકે નિર્માતાનું કહેવું છે કે, લૉકડાઉનના ત્રણ મહિના દરમ્યાન ટેક્નિશિયનોની હાલત સૌથી કફોડી થઈ હતી. કામ તો શરૂ થવું જ જોઇએ. સાવચેતીના પગલાં તરીકે માત્ર 33 ટકા ક્રુને જ સેટ પર હાજર રહેવાની પરવાનગી છે. તો બાકીના જે ઘરે છે તેમનો ગુજારો કેવી રીતે થશે? કામ શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. નિર્માતાનું કહેવું છે કે હેર ડ્રેસરનો શૂટિંગ શરૂ થયાના 10મા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સમયગાળા દરમ્યાન એ જ્યાં ગઈ હશે ત્યાં એને ચેપ લાગ્યો હશે. જો કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવે અને ત્રણ દિવસ શૂટિંગ બંધ રાખવું પડે તો એપિસોડની બેન્ક બનાવવી મુશ્કેલ બની જાય.

ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝના ચીફ એડવાઇઝર અશોક પંડિતનું કહેવું છે કે, કોઈ ઘરે બેઠું હોય તો પણ કોરોના સંક્રમિત બની શકે છે. એવું નથી કે શૂટ બંધ રાખો તો લોકો સંક્રમિત નહીં થાય. સેટ પર માત્ર કલાકારો જ નથી હોતા, ટેક્નિશિયન, લાઇટમેન, વર્કરો સહિત અનેક કર્મચારીઓ હોય છે જેમનું રસોડું શૂટિંગના આધારે ચાલતું હોય છે. ઇન્ડસ્ટ્રીને સરકારી સહાય મળતી નથી, અમે અમારા જોર પર નભીએ છીએ. ટેક્નિશિયનો ક્યાં સુધી ઘરે બેસી રહેશે? બ્રોડકાસ્ટર્સે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોય છે, તેઓ ક્યાં સુધી નભાવી શકે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here