બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને તાજેતરમાં શિવાજ સલૂનના વિખ્યાત હેર સ્ટાઇલિસ્ટ શિવરામ કે. ભંડારીના પુસ્તકનું વિમોચન કર્યું હતું. પુસ્તકમાં શિવરામના પ્રેરણાદાયી જીવનને આલેખવામાં આવ્યું છે જેથી નવી પેઢીને તનતોડ મહેનત અને શીખવાની અપાર ઇચ્છાશક્તિ સફળતા પામવાના બે મૂળમંત્ર હોવાની જાણ થાય.
જયશ્રી શેટ્ટી દ્વારા લિખિત પુસ્તકનું નામ છે સ્ટાઇલિંગ ઑન ધ ટૉપ, ધ જર્ની ઑફ શિવા બૉલિવુડ હેર સેલિબ્રેટેડ સ્ટાઇલિસ્ટ. અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અમિતાભ બચ્ચને તેમની ઑફિસ જનક ખાતે આયોજિત સમારંભમાં પુસ્તકનું વિમોચન કર્યા બાદ પુસ્તકની સફળતા માટે શુભેચ્છઓ આપી હતી.
સ્ટાઇલિંગ ઑન ધ ટૉપમાં શિવની અદ્ભુત જીવન યાત્રાની સફર કરાવવામાં આવી છે. કર્ણાટકની પહાડીઓ પર વસેલા એક ગામના હેરકટિંગ સલૂનમાં કાકાની સહાય કરવાથી લઈ આજ સુધીની જીવનીનો સમાવેશ કરાયો છે. આજે જ્યારે શિવાઝ બ્રાન્ડ દેશના તમામ મોટા શહેરોમાં મશહૂર છે.
યુનાઇટેડ આરબ અમિરાતમાં તેમણે દુનિયાના વિભિન્ન વિસ્તારોથી આવેલા ખેલાડીઓની હેર સ્ટાઇલને એક્સપોઝ કર્યા બાદ શિવાએ બે વિખ્યાત ઇન્સ્ટીટ્યુટ વિડાલ સસૂન અને ટૉની એન્ડ ગાઈમાં હેરસ્ટાઇલમાં હાઇ ફૅશનનો અભ્યાસ કર્યો. પોતાની આગવી સૂઝને કારણે આજે વર્લ્ડ ક્લાસ હેર સ્ટાઇલિસ્ટ તરીકે તેઓ સ્થાપિત થયા છે.
એંસીના દાયકામાં પોતાના ફિલ્ડમાં કંઇક કરી બતાવવાના ઉદ્દેશથી મુંબઈ આવેલા શિવાએ થાણેમાં એક નાનકડા સલૂનથી શરૂઆત કરી. આજે તેઓ એમની બ્રાન્ડ શિવાઝ હેઠળ વીસ સલૂન અને સ્પા, બીસ્પોક સલૂન અને કૉસ્મેટિક પ્રોડક્ટની એક શ્રેણીના માલિક છે. શહેરભરમાં આવેલા શિવાના આઉટલેટમાં બૉલિવુડની હસ્તીઓ અને કોર્પોરેટ વર્લ્ડના માંધાતાઓની હાજરી જોવા મળે છે.
સ્ટાઇલિંગ ઑન ધ ટૉપ પુસ્તકની મરાઠી અને કન્નડ આવૃત્તિ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. ત્યાર બાદ ગુજરાતી અને હિન્દી અનુવાદ પણ પ્રકાશિત કરાશે.