તાજેતરમાં અવસાન પામેલા ભૂપિન્દર સિંહ વિખ્યાત ગઝલ અને પાર્શ્વ ગાયક હતા એની જાણ લગભગ બધાને છે. તેમની ભાવપૂર્ણ ગઝલો ઉપરાંત ઘરૌંદા, મૌસમ, થોડી સી બેવફાઈ, કિનારા, પરિચય, એતબાર, બાઝાર જેવી અનેક ફિલ્મોનાં ગીતો આજેપણ એટલા જ લોકપ્રિય છે. જોકે એક ગાયક ઉપરાંત તેઓ વિખ્યાત ગિટારિસ્ટ પણ હતા અને હિન્દી ફિલ્મોના અનેક યાદગાર ગીતોમાં તેમની ગિટારના પીસ આજે પણ લોકોના કાનમાં ગૂંજે છે.
હવાઈ ગિટાર, સ્પેનિશ ગિટાર અને ઇલેક્ટ્રિક ગિટાર જેવી વિવિધ પ્રકારની ગિટાર વગાડવામાં તેઓ માહેર હતા. સાઇઠના દાયકાના અંતમાં આર. ડી. બર્મનના ગ્રુપના મ્યુઝિશિયન તરીકે સામેલ થયા અને પચીસ વરસ સુધી તેમની સાથે રહ્યા. આર. ડી. બર્મનના સંગીતમાં તૈયાર થયેલાં અત્યંત લોકપ્રિય ગીતો, દમ મારો દમ…, ચુરા લિયા હૈ તુમને…, ટાંદમેરા દિલ…, યાદોં કી બારાત નીકલી હૈ…, મહેબૂબા મહેબૂબા…, આને વાલા પલ…ના ગિટારના પીસ ભૂપિન્દર સિંહના હતા. એવું પણ કહેવાય છે કે હિન્દી ફિલ્મોનાં ગીતોમાં બાર સ્ટ્રિંગ ગિટાર તેમણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી.
તેમની ગિટારની જર્નીનો આ કિસ્સો ઘણો વિખ્યાત છે. દેવ આનંદની ફિલ્મ હરે રામ હરે કૃષ્ણનાં ગીત ‘દમ મારો દમ’ ગીતનો ઉલ્લેખ થાય કે એની શરૂઆતની ધૂન યાદ આવે. દેવ આનંદ એ ગીતની સિચ્યુએશન આર. ડી. બર્મનને સમજાવી રહ્યા હતા. આંખ અંજાય જાય તેવી લાઇટો, ગાંજા, ચિલમ અને ધુમાડો! સિચ્યુએશન સાંભળતાની સાથે જ ભૂપેન્દ્રની આંગળીઓ ઇલેક્ટ્રિક ગિટાર પર ફરવા લાગી અને બધા ચૂપ થઈ ગયા. ગિટારનો એ પીસ સાંભળ્યા બાદ પંચમદા બરાડી ઉઠ્યા, “ધિસ ઈઝ ઇટ!’ આ રીતે બની એ ધૂન!
ભૂપિન્દર સિંહે ગિટારિસ્ટ તરીકે આર. ડી. બર્મન સાથે ઘણાં હિટ ગીતો આપ્યા છે જેમાં મુસાફિર હૂં યારોં, ચિનગારી કોઈ ભડકે, દમ મારો દમ, આનેવાલા પલ, મહેબૂબા મહેબૂબા, ચુરા લિયા હૈ તુમનેનો સમાવેશ થાય છે.
ભૂમિપન્દરે માત્ર આર. ડી. બર્મન સાથે જ નહીં, અન્ય સંગીતકારો સાથે પણ ગિટારિસ્ટ તરીકે કામ કર્યું હતું. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભૂપિન્દરને પહેલો બ્રેક આપનાર મદન મોહનની હસતે જખ્મ ફિલ્મનું તુમ જો મિલ ગયે હો… આજે પણ શ્રોતાને અવારનવાર સાંભળવું ગમે એવું ગીત છે. તો કાદંબરી ફિલ્મ માટે તેમણે સંગીતકાર ઉસ્તાદ વિલાયત ખાં માટે અંબર કી એક પાક સુરાહી ગીત માટે પણ ગિટાર વગાડી હતી.
તો રઝિયા સુલ્તાનનાં ગીતો માટે સંગીતકાર ખય્યામ સાથે પણ કામ કર્યું હતું. તો પાકીઝાનાં થીમ સોન્ગના વાદકોમાંથી તેઓ એક હતા. જેમાં ભૂપિન્દરે એને શાસ્ત્રીય સ્પર્શ આપવા માટે સરોદની જેમ બાર સ્ટ્રિંગ ગિટચારનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત ભૂપિન્દરે નૌશાદ, રામ-લક્ષ્મણ અને સોનિક ઓમી સાથે પણ કામ કર્યું હતું.
જ્યારે અબ્દુલ્લા માટે તેમણે તારવાળા અરબી વાદ્ય ઉદ આવડતું ન હોવા છતાં એ વગાડ્યું હતું. આ સિવાય પણ તેમણે અન્ય વાદ્યોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા.
6 ફેબ્રુઆરી, 1940માં જપંજાબના અમૃતસરમાં જન્મેલા ભૂપિન્દર સિંહને સંગીતની તાલીમ તેમના પિતા અને શાસ્ત્રીય સંગીતના પ્રોફેસર નતા સિંહે જ આપી હતી. જોકે તેમણે અન્યસંગતજ્ઞો પાસે પણ તાલીમ લીધી હતી. નાનપણથી તેમને ગઝલ પ્રત્યે લગાવ રહ્યો હતો. તેમના ઘરે વાદ્યોની જાણકારી આપતા પુસ્તકોની લાઇબ્રેરી હતી. આ પુસ્તકો જ તેમને સંગીતના વાદ્યોની જાણકારી મેળવવામાં સહાયભૂત બન્યાં
અનેક ગુજરાતી ફિલ્મો અને આલ્બમમાં પણ અવાજ આપ્યો
ભૂપિન્દર સિંહે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહી અનેક ગુજરાતી ફિલ્મોનાં પણ ગીતો ગાયા હતા. જેમાં આનંદ મંગલનું સોનુ મારી સોનુ, જાલમસંગ જાડેજાનું એકલા જ આવીયા મનવા ને એકલા જ જવાના, વ્હારે ધાજો રે ગોકુળનાથ શેઠ સગાળશાનું ભક્તિ ગીત છે. એ સિવાય આનંદ મંગલનું બેના મારી, હસ્તાક્ષરનું પાસ પાસે તોયે, ભવની ભવાઈનું પાછું વળીને જોયું ના, સંજીવનનું તારા નયનથી, લાખો ફુલાણીનું મારે કાળજડે થડકારો થાય, સોન કુંવરનું કમલમાં રંગ ક્યા છે, મેહંદીનો રંગનું ગીત મારા રામના રખવાળા, સંસાર ચક્રનું હોંઠ ભીના ભીના, પ્રેમ લગ્નનાં જે કાલે હતું તે આજ નથી અને ચંદન ચાવાળીનાં ગીત તારી જો હાંક સુણીનો સમાવેશ થાય છે. ઉપરાંત અનેક આલ્બમ માટે પણ ગીયો ગાયા હતા.