રિયાલિટી શો બિગ બૉસ-૧૨ બાદ ફરી એક વાર ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારૂ નવો ધમાકો કરવા તૈયાર છે. બિગ બૉસના આ બંને સ્પર્ધક એક ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેનું નામ છે વો મેરી સ્ટુડન્ટ હૈ. તાજેતરમાં ફિલ્મનો અનુપ અને જસલીનનો લૂક રિલીઝ કરાયો છે. અનુપના હાથમાં બંદૂકની સાથે હિપ હૉપ લૂકમાં નજરે પડે છે તો જસલીન પણ બૉલ્ડ સ્ટુડન્ટના અંદાજમાં જોવા મળે છે.
અનુપ જલોટાએ જણાવ્યું કે ગયા વરસે દિવાળી ટાંકણે બિગ બૉસમાં ભાગ લઈ ધમાકો કર્યો હતો. તો આ ફિલ્મ દિવાળી પહેલાંનો ધમાકો છે. જસલીન સાથેની મારી ઇક્વેશન અંગે લોકોના મનમાં ઘણી ખોટી માન્યતાઓ છે જે આ ફિલ્મમાં બધું સ્પષ્ટ થઈ જશે.
ફિલ્મની વાર્તા વિશે જણાવતા અનુપે કહ્યું કે જસલીન મારી પાસે સંગીત શીખવા આવે છે અને એને હું વ્યવસ્થિત કપડા પહેરવા કહું છું. હું એક ટ્રેડિશનલ મ્યુઝિક બેકગ્રાઉન્ડથી આવું છું એટલે રિયલ લાઇફમાં પણ હું જસલીન સહિત અન્ય સ્ટુડન્ટને એજ વાત કહું છું.
મજાની વાત એ છે કે આ ફિલ્મના દિગ્દર્શક બીજું કોઈ નહીં પણ જસલીન મથારૂના પિતા કેસર મથારૂ જ છે. એક ઇન્ટરવ્યુમાં કેસરને પૂછવામાં આવ્યું કે તેઓ જસલીન અને અનુપને લઈ ફિલ્મ બનાવવા તૈયાર કેવી રીતે થયા? કેમ કે બિગ બૉસ દરમ્યાન અનુપની વિરૂદ્ધ હતા. એના જવાબમાં કેસરે જણાવ્યું કે, બંનેએ બિગ બૉસની બહાર આવ્યા બાદ મને સમજાવ્યું કે આવું કંઈ નહોતું.
બંનેના સંબંધો ગુરૂ શિષ્ય જેવા જ છે. પરંતુ અત્યારે પણ બંને શો કરે છે ત્યારે લોકો આજ વાતની બૂમરાણ મચાવે છે. જ્યારે અનુપજી શો કરે છે ત્યારે દર્શકો બૂમો પાડે છે જસીન ક્યાં છે?
લોકો જસલીનને અનુપના નામે ચીડવે છે અને કહે છે હું પણ અનુપ છું. કોઈને વિશ્વાસ નથી થતો કે બંને એકબીજાના લવર નથી. એટલે અમે ફિલ્મના માધ્યમથી આ વાત ક્લિયર કરવા માંગીએ છીએ કે બંને વચ્ચે એવા કોઈ સંબંધ નથી.