હિન્દી, મરાઠી ફિલ્મોમાં નામ ગજવ્યા બાદ નટસમ્રાટ ફિલ્મથી ઢોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર જયંત ગિલાટરની આગામી ગુજરાતી ફિલ્મ હલકી ફુલકી 17 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નામ પરથી જ એવું પ્રતીત થાય છે કે એ હૃષિકેશ મુખર્જી ટાઇપની મન પ્રફુલ્લિત કરતી મજેદાર ફિલ્મ હશે. બીજું, ફિલ્મમાં નવ-નવ હીરોઇનો હોવા છતાં એ હલકી ફુલકી કેવી રીતે હોઈ શકે એવો સવાલ પણ ઘણાને થઈ શકે છે. ખેર, ફિલ્મ કેવી હશે, નિર્માતાને એક હીરોઇનને સાચવવી ભારે પડતી હોય છે ત્યારે જયંત ગિલાટરે આટલી બધી હીરોઇનો સાથે કેવી રીતે પનારો પાડ્યો હશે?
જોકે એ માટે આપણું મગજ દોડાવવાને બદલે ફિલ્મી ઍક્શને ફિલ્મ વિશેની જાણકારી મેળવવા જયંત ગિલાટર સાથે જ વાત કરી. પ્રસ્તુત છે જયંત ગિલાટર સાથેની વાતચીતના અંશ.
હલકી ફુલકી નામ પરથી ફિલ્મ કૉમેડી હોય એવું લાગે છે, ફિલ્મની વાર્તા કેવા પ્રકારની છે?
એક વાક્યમાં કહું તો ફિલ્મની શરૂઆતથી અંત સુધી દર્શકોના ચહેરા મલકતા રહેશે. વચ્ચે લાગણીભર્યા દૃશ્યો પણ છે. પરંતુ હલકી ફુલકી હૃષિકેશ મુખર્જી ટાઇપની, હસસતા-હસાવતા સંદેશ આપી જતી સામાજિક ફિલ્મ છે.
ફિલ્મમાં એક-બે નહીં નવ-નવ હીરોઇનો લેવાનું ખાસ કારણ? ઉપરાત નિર્માતા એક હીરોઇનના નખરાંથી ત્રાસી જતો હોય છે તો તમે નવ સાથે કેવી રીતે પનારો પાડ્યો?
તમારા બીજા સવાલનો હું પહેલા જવાબ આપીશ. દરેક કલાકારને એના પાત્રને કેટલો ન્યાય અપાયો છે અને એની ઇમેજને અનુરૂપ ભૂમિકા છે કે નહીં એનું ધ્યાન રાખતો હોય છે. જો તેમની આ બંને જરૂરિયાત પૂરી થતી હોય તો વાદવિવાદનો સવાલ જ ઊભો થતો નથી. હલકી ફુલકીના શૂટિંગદરમિયાન મારે ક્યારેય રિસામણા-મનામણા કરવાની નોબત આવી નથી. અને બીજી વાત મારી તમામ હીરોઇનો પ્રોફેશનલ છે અને હંમેશ મને સહયોગ આપ્યો છે.
હવે તમારા પહેલા પ્રશ્નની વાત કરું તો, હલકી ફુલકીની વાર્તા આપણા જીવનમાં બનતી રોજબરોજની ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મ જોઇને લાગશે કે ફિલ્મમાં જે પાત્રો છે એવા તો ઘરમાં કે અડોશપડોશમાં રોજ જોવા મળે છે. ફિલ્મના તમામ પાત્રો તમારા પોતીકા લાગશે.
તમે હંમેશ સાંપ્રત વિષય પર ફિલ્મો બનાવી છે અને તમારી ઇમેજ પણ એ પ્રકારની જ છે. તો કૉમેડી ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
મને ઘણા મિત્રો કહેતા કે તું જો વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મો બનાવતો હોય તો તારે કૉમેડી ફિલ્મ બનાવવી જોઇએ. આ વિચાર મારા મગજમાં એટલો ઘુસી ગયો કે જ્યાં સુધી ફિલ્મનો કન્સેપ્ટ તૈયાર ન થયો ત્યાં સુધી સૂતો નહોતો. વાર્તાનો મુદ્દો એક વાક્યમાં કહું તો આપણા મનને હળવું રાખવું હોય તો તમામ પડકારો અને મુસીબતોનો મુકાબલો શાંતપણે કરવો અને સુખને આક્રમક બની ઝડપી લેવું. ફિલ્મની મારી નવેનવ હીરોઇન તેમની જિંદગીમાં આવતી તકલીફો-મુસીબતોનો સામનો બસ આજ રીતે કરી આગળ વધે છે.
આ વિષય એટલો મજેદાર છે કે તમે હિન્દીને બદલે ગુજરાતીમાં ફિલ્મ બનાવવાનું કેમ વિચાર્યું?
તમારી વાત સાચી છે કે આ વિષય કોઈ પણ પ્રદેશમાં રહેતા લોકોને સ્પર્શે એવો છે. પણ ગુજરાતીમાં સારી કૉમેડી ફિલ્મ બનાવવા માટે જ આ કન્સેપ્ટ તૈયાર કર્યો હોવાથી મેં ગુજરાતીમાં બનાવી. પણ ખાસ તમને જાણ કરું છું કે આ ફિલ્મની હિન્દી રીમેક બનાવવાની તૈયારી ચાલી રહી છે.
આશુ પટેલ, જેઓ થ્રિલર લખવા માટે વિખ્યાત છે તેઓ પણ હલકી ફુલકી જેવી કૉમેડી લખવામાં તમારી સાથે છે. લખાણનો એમનો કૉમેડી ટચ કેવો લાગ્યો?
આશુ પટેલ મારા અગત મિત્ર છે એટલે નથી કહી રહ્યો પણ તેમનામાં ગજબની હ્યુમર છે. હા, એ વાત અલગ છે કે તેમણે આ જૉનરમાં હાથ નથી અજમાવ્યો. પણ આશુ પટેલ અને દિવ્યાંગ પંડ્યા સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનો લ્હાવો જ અનેરો હતો. હા, ફિલ્મના સંવાદો મારે કોઈ મહિલા લેખિકા પાસે જ લખાવવા હતા. આશુ પટેલે ગીતા માણેક (જેમણે લખેલું સરદાર પટેલનું પુસ્તક ધૂમ મચાવી રહ્યું છે અને એની હિન્દી આવૃત્તિને અમિત શાહે લૉન્ચ કરી હતી)નું નામ સૂચવ્યું અને એમની પાસે સંવાદો લખાવ્યા. ગીતાએ પણ મને જે પ્રકારના ડાયલોગ્સ જોઇતા હતા એવા લખ્યા છે.