મારામાં એક્ટિંગનો કીડો છે. અને આ કીડો અનેક બબાલ ઊભી કરે છે
આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે 31 ડિસેમ્બર. આ થ્રિલર કૉમેડી ફિલ્મમાં સંજય ગોરડિયા ઉપરાંત અનેક પ્રતિભાશાળી કલાકારોનો કાફલો જોવા મળશે. મજાની વાત એ છે કે ફિલ્મનું શૂટિંગ બૉલિવુડના દિગ્ગજ ગાયક કિશોર કુમારના વતન ખંડવા ખાતે આવેલા નર્મદા રિસોર્ટમાં કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા કૉલેજમાં ભણતા ચાર મિત્રોની છે જેઓ કૉલેજના છેલ્લા વરસની 31 ડિસેમ્બરની મોજ માણવા મધ્ય પ્રદેશના રિસોર્ટમાં જાય છે. અહીં એવી ઘટના બને છે કે પ્રોફેસર ગુમ થાય છે. એટલું જ નહીં, માત્ર ચોવીસ કલાકમાં 30 લાખ રૂપિયા ચુકવવાની તાકીદ કરવામાં આવે છે. ફિલ્મમાં જે ચાર મિત્રોની વાત છે એમાંના એક અર્પિતની ભૂમિકા મુંબઈનો છોરો યતિન પરમાર ભજવી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલાં યતિને ફિલ્મી ઍક્શનને આપેલી મુલાકાતમાં એક મજેદાર વાત કહી. સ્કૂલના એલએલબી (લૉર્ડ ઑફ ધ લાસ્ટ બેન્ચ) વિદ્યાર્થી એવા યતિનને ભણવાનો કંટાળો. પણ અન્ય પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતો. એટલે એના ટીચર હંમેશ કહેતા તું બીજું કંઈ નહીં કરે પણ હીરોગીરી ચોક્કસ કરશે. યતિને ટીચરની વાણી સાચી પાડવાનું મનોમન નક્કી કર્યું અને મનોરંજન જગતમાં એન્ટ્રી કરી. પ્રસ્તુત છે યતિન પરમાર સાથેની મુલાકાતના અંશ.

શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ 31 ડિસેમ્બરમાં તમારું પાત્ર કેવા પ્રકારનું છે?
31 ડિસેમ્બર થ્રિલરના તડકાવાળી કૉમેડી ફિલ્મ છે. ફિલ્મમાં મેં અર્પિતનું પાત્ર ભજવ્યું છે અને એનમે પણ અભિનયનો કીડો વળગેલો છે. શૂટિંગ માટે જાય પણ એક્ટિંગ આવડતી નથી. દરમિયાન કૉલેજના મિત્રો ફાઇનલ યરની 31 ડિસેમ્બરની ઉજવણી સાથે કરવાની યોજના બનાવે છે. અને એ માટે તેઓ મધ્ય પ્રદેશના ખંડવા ખાતે આવેલા નર્મદા રિસોર્ટ બુક કરે છે. અહીં એવી ઘટના બને છે જેમાંથી બહાર નીકળવા ફાંફાં મારતા કૉલેજિયનોને જોઈ દર્શકો મોજમાં આવી જશે. એટલું જ નહીં, ફિલ્મમાં સસ્પેન્સ પણ છે જે ઑડિયન્સની આતુરતાની સાથે હૃદયના ધબકારા વધારી દેશે.
ફિલ્મના તમારા પાત્ર વિશે વિગતવાર જણાવશો?
મેં હમણાં જ કહ્યું તેમ મારામાં એક્ટિંગનો કીડો છે. અને આ કીડો અનેક બબાલ ઊભી કરે છે. અમે બધા મિત્રો મધ્ય પ્રેદશના રિસોર્ટમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે જઇએ છીએ. ત્યાં હું રિસોર્ટની રિસેપ્સનિસ્ટના પ્રેમંમાં પડું છું. જોકે અમારો પ્રેમ વેણુગોપાળ (ગોપાલ બારોટ)ને પસંદ નથી.
*ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં કરવાનું કોઈ ખાસ કારણ?*
ખાસ કારણ તો નથી પણ ફિલ્મના લૂકને ફ્રેશનેસ મળે અને ગુજરાતી ફિલ્મોના દર્શકોને નવા લોકેશન જોવા-માણવાનો લ્હાવો મળે. અમે ખંડવા સ્થિત નર્મદા રિસોર્ટ ઉપરાંત ત્યાંના પેલેસમાં પણ શૂટિંગ કર્યું છે.
ફિલ્મના પાત્રમાં એવું શું લાગ્યું કે તમે ફિલ્મ સ્વીકારી?
પહેલી વાત હું સતત કામ કરવામાં માનું છું. તમે જેટલા દેખાશો એટલો વધુ ફાયદો થશે. બીજું મારે કલ્પ ત્રિવેદી સાથે ઘણાઁ સમયથી કામ કરવાની ઇચ્છા હતી. તેઓ કલર્સ ચૅનલની બે સુપર હિટ સિરિયલના પણ નિર્માતા છે. જોકે ફિલ્મ કરવાનું ખાસ કારણ મારું પાત્ર છે. મને કૉમેડી કેરેક્ટર કરવા ગમે છે અને અર્પિતની ભૂમિકા પણ કૉમેડી શેડવાળી હતી. અને સૌથી મહત્ત્વની વાત ફિલ્મની વાર્તા ઘણી રોચક છે.
ફિલ્મમાં બે ડિરેક્ટર સુરેશ જોશી અને કલ્પ ત્રિવેદી છે. બંને કેવી રીતે તાલમેળ જાળવતા હતા?
ફિલ્મની વાર્તા કલ્પ ત્રિવેદીની છે એટલે તેમનમે શું જોઇએ છે એ બાબતે ઘણા સ્પષ્ટ હતા. જ્યારે સુરેશ જોશીને વરસોનો દિગ્દર્શનનો અનુભવન છે. બૉલિવુડની અનેક સુપરહિટ ફિલ્મોનમમો તેમને અનુભવ છે. બંને વચ્ચે જબરજસ્ત તાલમેળ હતો અને તેમણે એક મનોરંજક ફિલ્મ બનાવી છે.
તમારી કરિયરની શરૂઆત ફિલ્મોથી થઈ કે નાટકથી?
હકીકતમાં મને ભણવામાં રસ નહોતો. જોકે સ્કૂલમાં ચાલતી ઇતર પ્રવૃત્તિમાં રસપૂર્વક ભાગ લેતો. એ સમયે મારાં ટીચર કહેતા કે તું બીજું કંઈ નહીં કરી શકે પણ હીરોગીરી કરીશ. આ વાત મારા મનમાં ઘર કરી ગઈ અને મેં અભિનયને કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. જોકે મારા પપ્પાએ કહ્યું કે એક્ટિંગ માટે એક રૂપિયો ખર્ચવા નહીં દે. પણ, એ સમયે ભવન્સમાં નાટકો માટે ટ્રેનિંગ અપાતી હતી. ભવન્સમાં હું ભાઉસાહેબને મળ્યો. તેમણે મને કહ્યું કે પાસ્ટ આઉટ સ્ટુડન્ટ દર પખવાડિયે એક્સપરિમેન્ટલ નાટક કરે છે. હું ત્યાં જોડાયો અને મને અહીં નાટકની બારીકાઈ શીખવા મળી. આ સમયગાળા દરમિયાન મને મૂળરાજ રાજડા અને દેવાંગ પટેલ દિગ્દર્શિત સ્વામિનારાયણ સિરિયલમાં નીલકંઠમણિની ભૂમિકા મળી. ઉપરાંત દિશા વાકાણીના પ્રોડક્શનમાં બનાલા નાટક લગન માટે લાઇનમાં આવો કર્યું. એ નાટક બાદ મેઇન સ્ટ્રીમ નાટકો કરવાની શરૂઆત કરી.
દરમિયાન, સામાજિક કારણોસર બે-ત્રણ વરસ બ્રેક લેવો પડ્યો. એ પછી ફરી ફિલ્ડમાં આવ્યો ત્યારે સંજયભાઈનું નાટક પ્રેમ કરતા પંક્ચર પડ્યું મળ્યું.જોકે એમાં જો બેક સ્ટેજ કરું તો 400 રૂપિયા મળતા હતા તો કલાકાર તરીકે ત્રણસો. મેં ઓછા પૈસે કલાકારતરીકે કામ કરવાનું નક્કી કર્યું. એ પછી તો અનેક નાટકો કર્યા. દરમિયાન આ તે કેવી દુનિયા ફિલ્મની ઑફર આવી. એ સમયે કૌસ્તુભભાઈનું નાટક સુખ બાય ચાન્સ કરી રહ્યો હતો પણ ભાઈએ મને પૂરો સહયોગ આપ્યો અને ફિલ્મ કરવાની પરવાનગી આપી.
બસ, ત્યારથી ફિલ્મી કરિયરે વેગ પકડ્યો અને ગાંધીની ગોલમાલ, તું મારી આસપાસ છે, કંઇક કરને યાર, એકડે એક, આવું જ રહેશે, ગુજ્જુ ગોલમાલ કરી. અને હવે 31 ડિસેમ્બર રિલીઝ થઈ રહી છે.