બ્રહ્માસ્ત્ર ફિલ્મના પ્રમોશન માટે હોમ ક્વોરન્ટાઈનના નિયમનો ભંગ કર્યો
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ વિરુદ્ધ પેન્ડમિક એક્ટ હેઠળ FIR નોંધવાની તૈયારી થઈ રહી છે. હોમ ક્વોરન્ટાઈનનો નિયમ તોડવા માટે મુંબઇ મહાપાલિકાએ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપ્યો છે.
આલિયા ભટ્ટનો કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ પાલિકાના નિયમો મુજબ હાઈ રિસ્ક કોન્ટેક્ટની યાદીમાં રખાયેલા લોકો માટે ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત છે. આમ છતાં બ્રહ્માસ્ત્ર ફિલ્મના મોશન પોસ્ટરની લોન્ચિંગ ઇવેન્ટમાં હાજરી આપવા એ દિલ્હી ગઈ હતી. ઇવેન્ટ દરમિયાન એ ઘણા લોકોને મળી પણ હતી.
પાલિકાએ આ અંગે તપાસ કરતાં આલિયાએ નિયમોની ભંગ કર્યો હોવાનું જણાતાં પાલિકાએ અભિનેત્રી વિરુદ્ધ કેસ કરવા જણાવ્યું છે.
પાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજુલ પટેલે કહ્યું, મેં આરોગ્ય વિભાગના ડીએમસીને આલિયા વિરુદ્ધ નિયમોના ઉલ્લંઘન માટે FIR નોંધાવવાનો આદેશ આપ્યો છે. એ એક રોલ મોડેલ હોવાથી એણે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. અને નિયમો બધા માટે સરખા છે.
આલિયા ભટ્ટ દિલ્હી ગઇ હોવાનું જાણવા મળ્યા બાદ પાલિકાના એચ – પશ્ચિમ વોર્ડના આરોગ્ય વિભાગે એના મેનેજરનો બુધવારે સંપર્ક કર્યો હતો. ડિપાર્ટમેન્ટે આલિયાને કહ્યું કે તમે નિયમ તોડ્યો છે અને દિલ્હીમાં જ રહેવા જણાવ્યું. આમ છતાં એ માની નહીં અને મુંબઇ પછી ફરી. એટલે અભિનેત્રી વિરુદ્ધ પેન્ડેમિક એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવશે.