દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેમની ફિલ્મ પુષ્પા-2ના વિવાદને પગલે ચર્ચામાં છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડને કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતું તો ઇજા પામેલા એના પુત્રની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે તેલંગણાની વિધાનસભામાં આ મામલે ચર્ચા થઈ હતી અને એમાં મુખ્ય પ્રધાન તથા ઓવૈસીની પાર્ટીના વિધાનસભ્યએ અલ્લુ અર્જુન દોષી હોવાનું જણાવ્યું હતું. આને પગલે અલ્લુ અર્જુનના બંગલા પર ટમેટા અને ફૂલઝાડના કુંડાઓ ફેંકવાની સાથે અભિનેતા વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી.
આ મામલે તાજેતરમાં અભિનેતાએ ચુપકિદી તોડી હતી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં એના ચાહકોને એકઅપીલ કરી છે.
અલ્લુ અર્જુને એક્સ પર લખ્યું છે કે, હું મારા તમામ ચાહકોને હંમેશની જેમ અપીલ કરું છું કે તેમની લાગણીઓ વ્યક્ત કરતી વખતે તથા ઑનલાઇન કે ઑફલાઇન, કોઈ પણ રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કે વયવહાર ન કરે.
એ સાથે અભિનેતાએ ચેતવણી આપતા કહ્યું કે, મારા ચાહક હોવાનું જણાવી ખોટા આઈડી કે ખોટા પ્રોફાઇલથી વાંધાજનક પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હું મારા ચાહકોને અપીલ કરૂં છું કે આવી પોસ્ટથી તેઓ વેગળા રહે.
પુષ્પાની રિલીઝ સમયે થયેલી દુર્ઘટના પર હવે રાજકારણ ગરમાયું છે. તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ વિધાનસભામાં આ કેસ અંગે લાપરવાહી દર્શાવાઈ હોવાનું અને એ માટે અભિનેતા જવાબદાર હોવાનું જણાવ્યું હતું.