અલ્લુ અર્જુનની સુપરડુપર હિટ ફિલ્મ પુષ્પા-2ના રિલીઝ સમયે સંધ્યા થિયેટર ખાતે થયેલી ભાગદોડના મામલે અભિનેતાને નામપલ્લી કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા છે. હૈદરાબાદની નામપલ્લી કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ કોર્ટે અલ્લુ અર્જુનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અલ્લુ અર્જુનને પચાસ હજારના બે જામીન રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પુષ્પા-2 ગયા વરસે 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. રિલીઝના આગલા દિવસે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનો એક ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોમાં હાજરી આપવા માટે અલ્લુ અર્જુન આવવાના હોવાથી ભારે ભીડ જમા થઈ હતી. અને જ્યારે અલ્લુ અર્જુનને એન્ટ્રી કરી ત્યારે થિયેટર બહાર મચેલી ભાગદોડમાં રેવતી નામની એક મહિલાનું મૃત્યુ થયું. આ દુર્ઘટનામાં મૃતક મહિલાના આઠ વરસના પુત્રને પણ ગંભીર ઇજાઓ થઈ હતી.
ફિલ્મના પ્રીમિયર દરમિયાન મહિલાના મૃત્યુ બાદ પોલીસે 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. એ સમયે તેલંગણા હાઈકોર્ટે અભિનેતાને એજ દિવસે ચાર અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા હતા. જોકે અમુક કારણોસર અલ્લુ અર્જુનને એક દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ Djdpgvs પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રીમિયર સમયે થયેલી દુર્ઘટનાનો અફસોસ છે અને એ પીડિત પરિવારને તમામ પ્રકારની સહાય કરવા તૈયાર છે.