વિવાદિત બયાનબાજીને કારણે હંમેશ સમાચારોમાં ચમકતો રહેતો એજાઝ ખાન અત્યારે એના એક વિડિયો આલબમ ઓ માને કારણે સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. એજાઝનું નવું ગીત મા-દીકરાના સંબંધો પર આધારિત ઇમોશનલ ગીત છે.
ટી-સિરીઝ દ્વારા રિલીઝ કરાયેલું ગીત રિતેશ તિવારીએ નિશુ યાદવના સંગીતમાં ગાયું છે. મજાની વાત એ છે કે હંમેશ આક્રમક મૂડમાં દેખાતા એજાઝે આ ભાવવાહી ગીત લખ્યું છે. આલબમમાં એ દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે કે મા-દીકરાના સંબંધોથી વધુ અણમોલ આ દુનિયામાં બીજું કંઈ જ નથી. બે દિવસ પહેલાં રિલીઝ થયેલું આ ગીત છ લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

તાજેતરમાં એજાઝના આલબમ પલ પલને પણ દર્શકોએ આવકાર આપ્યો હતો. મૂળ અમદાવાદના એજાઝ ખાને ૨૦૦૩માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. શરૂઆતમાં નાની ફિલ્મો કર્યા બાદ એણે રક્ત ચિરત્ર, અલ્લાહ કે બંદે અને તેલુગુ ફિલ્મ ટેમ્પરમાં પણ કામ કર્યું. જોકે એને ખ્યાતિ અપાવી બિગ બૉસ રિયાલિટી શોએ. ફિલ્મો ઉપરાંત એજાઝ કહાની હમારે મહાભારત કી, તેરા આશીર્વાદ જેવા અનેક ટીવી શોમાં નજરે પડ્યો છે.