બિગ બૉસથી ખ્યાતિ પામેલા મૂળ અમદાવાદના કલાકાર એઝાઝ ખાનની મુંબઈ પોલીસે ગુરૂવારે ધરપકડ કરી હતી. મળતા અહેવાલ મુજબ એઝાઝ ખાને સમાજના બે સમુદાય વચ્ચે ધૃણા ફેલાવતો એક વિડિયો ઇન્ટરનેટ પર શેર કર્યો હતો. ટિક-ટૉક ઍપ પર એઝાઝે બનાવેલા આ વિડિયો અંગે શિવસેના સાથે સંકળાયેલા રમેશ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
શિવસેનાના એક્ટિવિસ્ટ રમેશ સોલંકીએ તેમના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરી એઝાઝની ધરપકડ અંગેની જાણકારી આપી હતી. એ સાથે તેમણે લખ્યું હતું કે, મુંબઈ પોલીસના સાયબર સેલ ડિપાર્ટમેન્ટે આખરે એઝાઝની ધરપકડ કરી છે. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે, હું મુંબઈ પોલીસનો આભાર માનું છું કે તેમણે સમાજમાં ધૃણા ફેલાવનાર વિરૂદ્ધ તુરંત કાર્યવાહી કરી. જય હિંદ, જય ભારત.
આ પહેલીવાર નથી કે એઝાઝની પોલીસે ધરપકડ કરી હોય. અગાઉ ડ્રગ્સના મામલે પણ એની ધરપકડ કરાઈ હતી. એ અગાઉ એક મૉડેલની મારપીટ કરવા મામલે પણ અભિનેતાને અટકમાં લેવાયો હતો. જોકે એઝાઝે જણાવ્યું હતું કે મને ફસાવવામાં આવી રહ્યો છે.
એઝાઝ ખાન ટેલિવુડનો જાણીતો કલાકાર છે. ઉપરાંત એણે સાઉથથી ફિલ્મોમાં પણ તકામ કર્યું છે. બૉલિવુડમાં ગણીગાંઠી ફિલ્મો કરનાર એઝાઝ એકતા કપૂરની સિરિયલ મહાભારતમાં પણ દેખાયો હતો પણ શોને દર્શકોએ નકારી કાઢતા એ બંધ કરાયો હતો.