આજની પેઢીને કદાચ મચ્છુ ડેમ તૂટતા થયેલી ભયાનક તારાજીની જાણકારી નહીં હોય. ભારે વરસાદને પગલે મચ્છુ ડેમ તૂટવાને કારણે અનેક પરિવારો હતા ન હાત થઈ ગયા. દુર્ઘટનામાં અનેક લોકોએ સર્વસ્વ ગુમાવ્યું હતું. 11 ઓગસ્ટ 1979માં થયેલી હોનારતમાં અંદાજે પચીસ હજારથી વધુ મોરબીવાસીઓએ જીવ ગુમાવ્યો હતો.

આજની પેઢીને કદાચ નવી લાગશે પણ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં ડેમ તૂટવાની સૌથી ખરાબ ઘટના હોવાનું જણાવ્યું છે. 25 હજાર કરતા વધુ લોકોનો જીવ લેનારી દુર્ઘટનાને સત્તાવાર રીતે ઍક્ટ ઑફ ગૉડ તરીકે ગણવામાં આવી છે.

અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોનું નામ સાંભળી મોં મચકોડનારાઓની માનસિકતા મચ્છુનું ટીઝર જોઈ બદલાઈ જશે. લગભગ ત્રણેક દાયકા અગાઉની ઘટનાને તાદૃશ્ય કરવામાં દિગ્દર્શક શૈલેષ લેઉઆ જરાય ઉણા ઉતર્યા હોય એવું ટીઝર જોઇને લાગતું નથી. દિગ્દર્શકે ભારે સૂઝબૂઝની સાથે ધીરજપૂર્વક એક એક ફ્રેમ વર્કઆઉટ કરી છે.

જતીન પટેલ નિર્મિત અને શૈલેષ લેઉઆ દિગ્દર્શિત મચ્છુની ટીઝર આમ તો 5 જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યું હોવાથી આ ન્યુઝ જૂના કહેવાય, પણ ટીઝર એટલું જબરજસ્ત છે કે દસ દિવસ થયા હોવા છતાં ન્યુઝનો સમાવેશ કરવાની લાલચ રોકી શકાઈ નહીં. ફિલ્મમાં મયુર ચૌહાણ, જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર, ગૌરાંગ આનંદ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હોવા છતાં ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here