અજય દેવગણ આજકાલ સાતમા આસમાનમાં વિહરી રહ્યો છે. શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ દૃશ્યમ-2 બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી રહી છે. સોમવાર સુધીમાં ફિલ્મની કમાણી 76 કરોડ રૂપિયાથી વધુ થઈ છે જ્યારે વર્લ્ડવાઇડ કલેક્શન સો કરોડ રૂપિયાથી વધુનું થયું છે. દરમિયાન અજય દેવગણની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ ફિલ્મ ભોલાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે. થ્રી-ડીમાં રિલીઝ થનારી ભોલાનું ટીઝર ઘણું ધમાકેદાર છે.
સોમવારે અજય દેવગણે ભોલાનું મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે ટીઝરની અનાઉન્સમેન્ટ કરી હતી. મંગળવારે સવારે અજય દેવગણે ભોલાનું નવું પોસ્ટર રિલીઝ કર્યા બાદ એના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભોલાનું ટીઝર શેર કર્યું હતું.
ટીઝરની શરૂઆતમાં એક અનાથાશ્રમ દર્શાવવામાં આવ્યો છે. જેમાં એક કેરટેકર જ્યોતિ નામની એક બાળકીને કહે છે કાલે તને મળવા કોઈ આવી રહ્યું છે. બાળકી મુંઝવણમાં પડી જાય છે અને આખી રાત સૂઈ શકતી નથી. બીજી બાજુ જેલમાં અજય દેવગણ ગીતાનો પાઠ કરી રહ્યો છે પણ એનો લૂક ઘણો અગ્રેસિવ છે. તો ટીઝરના અંતમાં અજય દેવગણ ત્રિશૂળ સાથે એસયુવીમાં બેઠેલાઓ પર હુમલો કરતો દેખાય છે. ટીઝર જોઇને લાગી રહ્યુ છે કે ફિલ્મ ધમાકેદાર ઍક્શન ફિલ્મ હશે.
જોકે ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી પણ મળતા અહેવાલો મુજબ ફિલ્મ આવતા વરસે રિલીઝ થશે. અજય દેવગણ અને તબુની મુખ્ય ભૂમિકાવાળી ભોલા દક્ષિણની ફિલ્મ કૈથીની ઑફિશિયલ હિન્દી રીમેક છે. ફિલ્મનું દિગ્દર્શન ખુદ અજય દેવગણે કર્યુ છે.