વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના મોટી અફરાતફરી થવા જઈ રહી છે. જી, તમારી ધારણા સાચી છે. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ ગુજરાતી ફિલ્મ અફરાતફરીની ધમાકેદાર રજૂઆત થઈ રહી છે. ફિલ્મની રજૂઆત પૂર્વે પ્રમોશનના ભાગરૂપ કલાકારો ઉતરાણને લક્ષ્યમાં રાખી અમદાવાદ ખાતે ફિલ્મના પ્રચાર માટે અમદાવાદ પહોંચ્યા હતા.

ગુજરાતના સૌથી માનીતા તહેવારની ધમાલ વચ્ચે અફરાતફરીના કલાકારો ખુશી શાહ, મિત્ર ગઢવી, આકાશસિંહ ઝાલા સહિતના કલાકારોએ અમદાવાદીઓ વચ્ચે ધૂમ મચાવલી હતી. પતંગના પેચ સાથે અમદાવાદીઓનો પ્રેમ જીતી રહેલા અફરાતફરીના કલાકારોએ મહા ઉંધીયા પાર્ટી વિશે સાંભળ્યું તો ત્યાં જવાની લાલચ રોકી શક્યા નહીં. અહીં પણ તમામ કલાકારોએ ઉંધીયાના ચટાકેદાર સ્વાદની સાથે મજેદાર ફિલ્મનું પ્રમોશન કરવામાં કોઈ કચાશ છોડી નહોતી.
ફિલ્મની વાર્તા એક નાનકડા ગામ વિશરામપુરની છે. ત્યાંના સ્થાનિક નેતા ત્રિકમદાસ અંતિમ ઘડીઓ ગણી રહ્યા છે અને તેમની અંતિમ ઇચ્છા છે કે પૌત્રીનાં લગ્ન તેમના શ્વાસ ચાલે છે એટલામાં થઈ જાય. પણ પૌત્રી આટલા વહેલા લગ્ન કરવા માંગતી નથી. હવે ત્રિકમદાસની અંતિમ ઇચ્છા પૂરી થાય છે કે નહીં, અને જો ઇચ્છા પૂરી ન થઈ તો તેમનો જીવ અવગતે જશે કે નહીં એ તો 14 ફેબ્રુઆરીએ ખબર પડશે.
ગુજરાતીમાં હૉરર કૉમેડી જેવા વિષયો પર ભાગ્યે જ ફિલ્મ બની હશે ત્યારે નિર્માતા મુકેશ ઠક્કરની મિત્ર ગઢવી, ખુશી શાહ ઉપરાંત ચેતન દૈયા, શેખર શુક્લા, સ્મિત પંડ્યા, રાગી જાની અભિનીત ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.