વડોદરાનો આબિદ શેખ ભજવશે અયોધ્યામાં રામલીલા

૧૪ વરસની કલા સાધના બાદ વડોદરા પોલીસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેટિંગ બ્યુરોમાં આસિસ્ટંટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આબિદ શેખને એક એવી ઑફર આવી છે જેને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં એનું નામ ગૂંજી રહ્યું છે. એટલું જ નહીં, સૂત્રના જણાવ્યા મુજબ વડોદરા પોલીસ પણ એનું સન્માન કરવાની યોજના બનાવી રહી છે.

આબિદ ભલે પોલીસ ડિપાર્ટમેન્ટની રફ એન્ડ ટફ જોબ કરી રહ્યો હોય પણ એનામાં એક ૠજુ કલાકાર પણ રહેલો છે. છેલ્લા ૧૪ વરસથી વડોદરામાં યોજાતી રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવી શહેરભરમાં નામના કમાનાર આબિદ શેખને અયોધ્યામાં રામલીલા ભજવવાનું આમંત્રણ મળ્યું છે. અને મજાની વાત એ છે કે આ આમંત્રણ અન્ય કોઈએ નહીં પણ અયોધ્યાના મહંત અખિલેશદાસજી મહારાજે ટેલિવિઝનના લાઇવ કાર્યક્રમ દરમ્યાન આપ્યું હતું. આબિદે એના જીવનની સર્વશ્રેષ્ઠ ઘડીને યાદ કરતા ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, જે દિવસે અયોધ્યાનો ચુકાદો સુપ્રીમ કોર્ટ આપવાની હતી એ દિવસે એબીપી ન્યુઝ પર ચાલી રહેલી લાઇવ ડીબેટમાં મને પણ આમંત્રણ અપાયું હતું. ચર્ચા દરમ્યાન અખિલેશદાસજીએ મને અયોધ્યામાં રામલીલા ભજવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમની ઑફર સાંભળી લાઇવ ડીબેટમાં શું બોલવું એ સમજાતું નહોતું. માંડ માંડ મેં મારી જાત પરા કાબુ મેળવ્યો અને મહંતશ્રીના આમંત્રણને સ્વીકાર્યું હતું. હિન્દુઓના આરાધ્ય એવા શ્રી રામની જન્મભૂમિ ખાતે રામલીલા ભજવવાનું આમંત્રણ મળે અને એ પણ ટીવી જોતા લાખો દર્શકોની સામે… મારા માટે એનાથી ધન્ય ઘડી બીજી કઈ હોઈ શકે?

મુસ્લિમ હોવા છતાં હિન્દુઓના આરાધ્ય શ્રી રામના ભાઈ લક્ષ્મણનું પાત્ર ભજવવાનું કેમ પસંદ કર્યું? અને એનો કોઈએ વિરોધ કર્યો હતો ખરો? પ્રશ્નના જવાબમાં ૩૧ વર્ષના આબિદે જણાવ્યું કે હું ૧૭ વર્ષનો હતો ત્યારથી લક્ષ્મણનું પાત્ર ભજવતો આવ્યો છું. સાચું કહું તો, નાનપણથી બે કોમ વચ્ચેના ટંટાફિસાદને જોયા છે. ત્યારે તો બહુ સમજણ નહોતી પણ ત્યારેય મને લાગતું કે બધાએ હળી મળીને રહેવું જાઇએ. ઉપરાંત ગણેશોત્સવ કે નવરાત્રિ જેવા હિન્દુઓના ધાર્મિક તહેવારની ઉજવણી બૉલિવુડના મુસ્લિમ સ્ટાર્સ કરતા હોય તો હું પણ કેમ રામાયણનું પાત્ર ભજવી ન શકું. બસ, આ વાત મારા મગજમાં ઠસી ગઈ હતી અને મેં રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવવાની હા પાડી. હા, શરૂઆતમાં અજાણી વ્યક્તિઓ તરફથી રામલીલા છોડી દેવા માટે ધમકી મળતી હતી પણ હવે અમારી કોમના લોકો પણ મેં લીધેલા નિર્ણય માટે બિરદાવી રહ્યા છે.

રામલીલા બાદ અભિનય ક્ષેત્રે શું કરવા માંગો છો?ના જવાબમાં આબિદ કહે છે કે જો હું એમ કહું કે મારે બૉલિવુડમાં નથી જવું તો મારા જેવો દંભી બીજા કોઈ નહીં હોય. સ્વાભાવિક છે કે દરેક કલાકારનું લક્ષ્ય હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય એમ મારી પણ ઇચ્છા છે કે હિન્દીમાં સારી ફિલ્મો કરૂં. અને હા, ગુજરાતી છું એટલે ઢોલિવુડની ફિલ્મોમાં પણ સારી ભૂમિકા હોય તો કામ કરવાની ઇચ્છા છે.

વડોદરામાં ભજવાતી રામલીલાના દિગ્દર્શકો શશીકાંત દાસ અને રાજેન્દ્ર મોહન ગોસ્વામીનો આભાર માનતા આબિદ કહે છે કે રામલીલાના અન્ય કલાકારો રામ બનતા ડૉક્ટર હર્ષલ, માનસી રોડે (સીતા), સુપર્ણખા જીના પટેલ, ધર્મેશ પટેલ (મેઘનાદ) સહિતના તમામ કલાકારોએ, ખાસ કરીને રાવણ બનતા હિતેશ શાહે આપેલા સહયોગ માટે તેમનો આભારી છું.

Exit mobile version