નિર્માતા : અગસ્ત્ય સિને ડ્રીમ્સ એલએલપી, દિગ્દર્શક, કથા, પટકથા અને સંવાદ : યોગેશ વર્મા, કાર્યકારી નિર્માતા : દેવાનંદ નાયર, નિર્દેશક (ક્રિએટિવ્સ) : સુભાબ્રત ચેટર્જી, સિનેમેટોગ્રાફર : સુમિત સૂર્યવંશી, સંપાદક : આલોક ધારા, સંગીત : અવિક દત્તા.
કલાકાર : ગૌરી પ્રધાન તેજવાણી (વૈદેહી), ઈન્દ્રનીલ સેનગુપ્તા (ચિંતન), દીપરાજ રાણા (ઉદય રાજ સિંહ), ઋતુરાજ સિંહ (નવીન), નિહારિકા ચોકસે (દિયા), નિકિતા ચોપરા (યુવા વૈદેહી), અંગદ ઓહરી (યુવા ચિંતન), ઈશિતા શાહ (યુવા ચિંતન) મોના), કરમવીર ચૌધરી (નાયબ મુખ્યમંત્રી) મનુ મલિક (પોલીસ) રામ અવના (સુરિન્દર) એસકે ત્યાગી (નિવૃત્ત આઈજી) ધ્રુવ ચુગ (રાહુલ) શશાંક શર્મા (એક્ઝિક્યુટિવ-એમસી) દીપક અધર (વૈદેહીના પિતા)
રેટિંગ : 2.5 / 5
કોર્પોરેટ ફિલ્ડમાં ચાલીસ વર્ષ વીતાવ્યા બાદ કલા પ્રેમી એવા યોગેશ વર્મા નિર્માતા-દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ અ વિન્ટર ટેલ એટ શિમલા લઈને આવ્યા છે. એક સારી લવ સ્ટોરી બનાવવાનો તેમણે પ્રયાસ કર્યો છે.
ફિલ્મ એક પરિપક્વ પ્રેમ કથા છે જેમાં એક વ્યક્તિ બે દાયકા બાદ એની પ્રેમિકાને મળે છે, જે હવે એના ડીઆઈજી પોલીસ અધિકારી સાથે રહે છે. પતિ ઘણો ઇર્ષાળુ છે અને એનું વર્તણુંક પણ અસહ્ય છે.
ફિલ્મની વાર્તા એક મનોરંજક ઘટનાથી શરૂ થાય છે. જેમાં ચિંતન કપૂર (ઇન્દ્રનીલ દાસગુપ્તા) મોર્નિંગ વૉક કરવા નીકળ્યો હોય છે ત્યારે એક કાર સાથે ટકરાતા માંડ માંડ બચે છે. ચિંતન એના મિત્ર નવીન શેરગિલના આગ્રહ બાદ શિમલા આવે છે જ્યાં નવીને વેદિક પ્રથાઓ પર આધારિત મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી છે. શિમલામાં ચિંતનની મુલાકાત એની પૂર્વ પ્રેમિકા વૈદેહી સાથે થાય છે. બે દાયકા બાદ મળેલા મળેલા પ્રેમી પંખીડાઓ ફરી તેમની જૂની યાદોને વાગોળે છે. દરમિયાન વૈદેહીના પતિ ઉદય (દીપરાજ રાણા)ને આ વાતની જાણ થાય છે અને તેમની વચ્ચે ફરી સંબંધ બંધાયો હોવાની શંકા જાગે છે. ઉદયની ઇર્ષા બદલાની આગ સુધી પહોંચે છે અને એ ચિંતને પાઠ ભણાવવા એની પૌત્રીનું અપહરણ કરાવે છે.
ફિલ્મની વાર્તા ભૂતકાળ અને વર્તમાન સાથે આગળ વધતી રહે છે, જેમાં ભૂતકાળ સમગ્રતયા ચિંતન અને વૈદેહીના પ્રેમ પર કેન્દ્રિત છે. જોકે વર્તમાનમાં બે પ્રેમીઓ વચ્ચેના અમુક દૃશ્યો સહજતાથી ઉદયના મનમાં શંકાના બીજ રોપી શકે એવા છે.
અભિનયની વાત કરીએ તો ઇન્દ્રનીલ સેનગુપ્તા અને ગૌરી પ્રધાન (લાંબા અરસા સુધી નાના પરદે અભિનયના ઓજસ પાથર્યા બાદ મોટા પરદ પદાર્પણ કર્યુ છે) તેમણે ચિંતન અને વૈદેહીના પાત્રને જીવંત કર્યા છે. જોકે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહેલા દીપરાજ રાણા અમુક દૃશ્યોમાં ઘણા નાટકીય લાગે છે. જ્યારે ઋતુરાજ સિંહનું પાત્ર જાણે ખાલી જગ્યા પૂરવા માટે ઉમેરાયું હોય એવું લાગે છે.
લેખક-દિગ્દર્શક યોગેશ વર્માની પટકથાની સાથોસાથ આલોક ધારાનું એડિટિંગને કારણે ફિલ્મ મંથર ગતિએ આગળ વધતી હોય એવું લગે છે. જોકે ગૌરી પ્રધાનના પરિપક્વ અભિનયની સાથે અવિક દત્તાનું ભાવપૂર્ણ સંગીત દર્શકોને રાહત આપે એવા છે.