શુક્રવાર (17 જાન્યુઆરી)ના મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મ માલિકની વાર્તા રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નામ પરથી જ ખ્યાલ આવી શકે છે કે એની વાર્તાના કેન્દ્રમાં અલગ સ્વભાવ ધરાવતો માલિક હશે.
જોકે ફિલ્મની વાર્તા નિર્માણ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૂત્રના જણાવ્યા મુજબ ફિલ્મનો નાયક કહો કે ખલનાયક માલિક વાર્તાના કેન્દ્રમાં છે. એ એટલી રહસ્યમય વ્યક્તિ છે કે લોકો એનાથી ડરતા હોય છે. એટલું જ નહીં, એના ઇરાદા અંગે પણ શંકા-કુશંકા કરતા રહે છે. એની અપાર શક્તિ એવી છે કે બધા એવું અહેસાસ કરતા હોય છે માલિક તેમની આસપાસમાં જ છે. હાસ્ય અને રહસ્યના મિશ્રણ જેવી ફિલ્મની કથા જેમ આગળ વધતી જાય છે તેમ માલિકની રહસ્યમય પ્રકૃતિના પડ એક પછી એક ખુલતા જાય છે. એ સાથે દર્શકો એની સાચી ઓળખ અને એના ઇરાદાઓ અંગે અનુમાન કરતા થઈ જશે.
માલિકની વાર્તા એક એવી કથા છે જે ડરામણી, આશ્ચર્ય અને કાવતરાંનું અનોખું મિશ્રણ જોવા મળે છે. મિલન દેવમણિ અને ડૉ. કે. આર. દેવમણિ લખેલી ફિલ્મનું દિગ્દર્શન ડૉ. કે. આર. દેવમણિએ કર્યું છે. ફિલ્મના નિર્માતા છે રાજેન્દ્ર મહેતા.
અનંગ દેસાઈ, રાજીવ મહેતા, મોનલ ગજ્જર, હિતુ કનોડિયા, સુનીલ વિશ્રાંત અને ચેતન દૈયા અભિનીત ફિલ્મનું સંગીત અહેસાન અહેમદે આપ્યું છે. જ્યારે ફિલ્મના કાર્યકારી નિર્માતા છે રાજેશ ચૌહાણ.