Table of Contents
ટ્રેજેડી ક્વીન તરીકે વિખ્યાત અભિનેત્રી મીના કુમારીએ ફિલ્મી નામ મીનુ મુમતાઝ રાખવાની સલાહ આપી હતી
બોલિવૂડનીપચાસના દાયકાની વિખ્યાત નૃત્યાંગના મીનુ મુમતાઝનું કેનેડા ખાતે લાંબી બીમારીને પગલે અવસાન થયું છે. મીનુનો પરિવાર એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિખ્યાત કોમેડિયન મેહમુદનો પૂરો પરિવાર ફિલ્મોમાં સક્રિય હતો. પિતા મુમતાઝ અલી ફિલ્મોના જાણીતા ડાન્સર અને ચરિત્ર અભિનેતા હતા. મુમતાઝ અલીનું પોતાનું ડાન્સ ટ્રૂપ મુમતાઝ અલી નાઈટ નામે ચાલતું હતું. જોકે તેમની દારૂની લતને કારણે પરિવાર ભારે આર્થિક તંગી અનુભવી રહ્યો હતો. પરિવારને સહાયરૂપ થવા મેહમુદે બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરું કર્યું તો મીનુ મુમતાઝે તેમના સ્ટેજ શો અને પાછળથી ફિલ્મોમાં ડાન્સર તરીકે કામની શરૂઆત કરી. ડાન્સર તરીકે અનેક ફિલ્મો કર્યા બાદ મીનુને પહેલો બ્રેક દેવિકા રાણીએ આપ્યો. તેમણે મીનુને બોમ્બે ટોકીઝમાં ડાન્સર તરીકે રાખી.
૧૯૫૫માં આવેલી ફિલ્મ ઘર ઘર મેં દિવાલીથી કરિયરની શરૂઆત કરી. ફિલ્મમાં એણે ગામડામાં રહેતી ડાન્સરનું પાત્ર ભજવ્યું હતું. જોકે મીનુને આગવી ઓળખ મળી સખી હાતિમ ફિલ્મથી. એ પછી આવેલી ફિલ્મ બ્લેક કેટમાં હીરો હતા બલરાજ સહાની.
ત્યારબાદ મીનુનું સીઆઇડી (૧૯૫૬)નું ગીત બૂઝ મેરા કયા નામ રે ઉપરાંત હાવરા બ્રિજમાં પણ ડાન્સર તરીકે જોવા મળી. ગુરુ દત્તની ફિલ્મો કાગઝ કે ફૂલ, ચૌદવી કા ચાંદ, સાહિબ બીવી ઔર ગુલામમાં પણ મીનુએ કામ કર્યું.
ઉપરાંત તાજ મહલ, ઘૂંઘટ, ઇન્સાન જાગ ઉઠા, ઘર બસાકર દેખો, સિંદબાદ, અલીબાબા, અલ્લાદ્દીન, ધરમપુત્ર અને જહાંઆરા જેવી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જોકે ભાઈ – બહેને કરેલી એક ફિલ્મે ભારે વિવાદ જગાવ્યો હતો. ૧૯૫૮માં આવેલી હાવરા બ્રિજમાં મીનુ એના સગા ભાઈ મેહમુદ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. ભાઈ – બહેનના ઓનસ્ક્રીન રોમાન્સને જોઈ લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
૨૬ એપ્રિલ ૧૯૪૨ના જન્મેલી મીનુનું અસલી નામ મલીકુંનિસા હતું. જોકે મીનુની ભાભી અને ટ્રેજેડી ક્વીન તરીકે વિખ્યાત અભિનેત્રી મીના કુમારીએ ફિલ્મી નામ મીનુ મુમતાઝ રાખવાની સલાહ આપી હતી.
મીનુ મુમતાઝની જોડી કોમેડિયન જૉની વોકર સાથે જામી હતી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. કૉમેડી ઉપરાંત મીનુએ ઘણી ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકા પણ ભજવી. ફૌલાદમાં એ દારા સિંહ સાથે જોવા મળી હતી.
મીનુએ ૧૯૬૩માં ફિલ્મ દિગ્દર્શક સૈયદ અલી અકબર સાથે લગ્ન કર્યા બાદ કેનેડામાં સ્થાયી થઈ હતી. મીનુને પંદરેક વરસ પહેલાં બ્રેઈન ટયુમર થયું હતું. એની યાદદાસ્ત જતી રહી, જોકે ઓપરેશન બાદ ઘણું સારું હતું. આજે સવારે નાદુરસ્ત તબિયતને પગલે મીનુનું અવસાન થયું હોવાનો મેસેજ અનવર અલીએ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.