ગુજરાતીમાં બનેલી અને દર્શકોને પસંદ પડેલી વેબ સિરીઝ ડુ નોટ ડિસ્ટર્બના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર અને માનસી પારેખ-ગોહિલ ફરી એક વાર ગુજરાતી ફિલ્મ ગોળકેરીમાં સાથે જોવા મળશે. ગોળકેરી સીહિલ અને હર્ષિતાના ખાટાં મીઠા પ્રેમ સંબંધની વાત છે. ફિલ્મમાં સાહિલ (મલ્હાર) અને હર્ષિતા (માનસી)નો પ્રેમ સંબંધ એક નાજુક વળાંક પર તૂટી જાય છે. અને અહીંથી તેમના અંતરંગ જીવનમાં સાહિલના માતા-પિતા વંદના પાઠક અને સચીન ખેડેકરની એન્ટ્રી થાય છે.
આજના યુવાનો, તેમની તકલીફો, મુસીબતો, તેમના વિચારોની સાથે તેમના પસંદગીના સંગીત અને વાતાવરણને રજૂ કરતી ફિલ્મ ગોળકેરીનું સંગીત પણ તીખી-મીઠી અનુભૂતિ કરાવે છે.

અને કેમ ન હોય, આજની યુવા પેઢીને પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરનાર વિશ્વવિખ્યાત ગાયક મિકા સિંહ ગોળકેરીથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. પહેલીવાર ગુજરાતીમાં ગીત ગાનાર મિકા સિંહ કહે છે કે ગુજરાત અને ગુજરાતીઓ તો મારા દિલમાં વસે છે. લાંબા અરસાથી ગુજરાતીમાં ગીત ગાવાની તક મળે એની રાહ જોતો હતો. અને આખરે ગોળકેરીએ મને ગુજરાતીમાં ગીત ગાવાનો મોકો આપ્યો. હું વિદેશની ટુર પર હોઉં ત્યારે પણ મારા ઘણા ગુજરાતી ચાહકો ગુજરાતી ગીત ગાવાની ફરમાઇશ કરતા હોય છે. હવે મારા વિદેશના શોના ટ્રેક્સમાં આ ધમાકેદાર ગીતનો ઉમેરો થશે. ઉપરાંત એક ગુજરાતી ગીત કમ્પોઝ કરવાની ઑફર આવી ત્યારે હું માની નહોતો શકતો કે મારી ઇચ્છા આટલી વહેલી પૂરી થશે. સોણી ગુજરાતી ગીત મારી સાથે ગુજરાતના અવ્વલ ગાયક પાર્થિવ ગોહિલે પણ ગાયું છે. અને મને આશા છે કે મારા ગુજરાત સહિતના તમામ ચાહકોને આ ગીત પસંદ પડશે.
મિકા સાથેના ગીત અંગે પાર્થિવે કહ્યું કે, હું અને મિકા વીસ વરસથી મિત્રો છીએ અને અમે ઘણા સમયથી ગુજરાતીમાં ગીત બનાવવાનું વિચારી રહ્યા હતા. જોકે ગોળકેરી ફિલ્મે અમારી ઇચ્છઆને મૂર્ત સ્વરૂપ આપ્યું. સોણી ગુજરાત ગીત એટલે મિકા સિંહના આગવા અંદાજ, સ્વરાંકન અને ગાયકીનો ત્રિવેણી સંગમ.
સોલ સૂત્ર બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ગોળકેરીના દિગ્દર્શક છે વિરલ શાહ. અમાત્ય ગોરડિયા અને વિરલ શાહ લિખિત ફિલ્મને કોકોનટ મોશન પિક્ચર્સ રિલીઝ કરી રહ્યું છે.
મિકા સિંહ અને પાર્થિવ ગોહિલનું ગીત સોણી ગુજરાત યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર 7 ફેબ્રુઆરીએ તો ફિલ્મ 28 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.