1 એપ્રિલ એટલે કે લોકોને પ્રેમથી ‘ફૂલ’ બનાવવાનો દિવસ. પરંતુ આ દિવસને કોકોનટ મોશન પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે યાદગાર બનાવી દીધો. અવસર હતો ચાલ જીવી લઇએની સુપર સક્સેસની ઉજવણીનો. ફિલ્મના નિર્માતા રશ્મિન મજિઠિયાના જણાવ્યા મુજબ ફિલ્મે 50 કરોડ રૂપિયા કરતા વધુનો બિઝનેસ કરી ચાલ જીવી લઇએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ વકરો કરનારી ફિલ્મ બની છે.
સેલિબ્રેશન માણવા લિન્ક પર ક્લિક કરો
મુંબઈ ઍરપોર્ટ પાસે આવેલી સહારા સ્ટાર હોટેલના બૅરલ મેન્શન ખાતે યોજાયેલી ધમાકેદાર પાર્ટીમાં શ્રેયસ તલપડે, રોહિત રૉય, દિલીપ જોશી, જાવેદ જાફરી, હિતેનકુમાર, જે.ડી. મજિઠિયા, સરિતા જોશી ઉપરાતં ફિલ્મના કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ શૂટિંગના અનુભવો વિશે જણાવતા કહ્યું કે, ઉત્તરાખંડમાં વારેઘડીએ બદલાતા વાતાવરણ વચ્ચે અમે ફિલ્મનું શૂટિંગ નિર્ધારિત સમયમાં પૂરૂં કરી શક્યા એ મોટી વાત છે. એક રોચક પ્રસંગ જણાવતા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું કે આટલી ઉંચાઇએ વજનદાર લાઇટ્સ લઈ જવું શક્ય ન હોવાથી અમે નેચરલ લાઇટમાં કામ કરતા. પરંતુ એક દિવસ વાદળો હટવાનું નામ લેતા ન હોવાથી શૂટિંગમા રિફ્લેક્ટર્સ તરીકે સિલ્વર ફોઇલવાળી પ્લેટ અને બનિયનથી કામ ચલાવવું પડ્યું.
ચાલ જીવી લઇએ પિતા બિપિનચંદ્ર પરીખ (સિદ્ધાર્થ રાંદેરિયા) અને પુત્ર આદિત્ય પરીખ (યશ સોની)ના સંબંધોની વાત છે. પોન્ટાઇન ગ્લિઓમાથી પીડાતા પિતાની ઇચ્છા પૂરી કરવા બાપ-દીકરો પ્લાન કર્યા વિનાના પ્રવાસે નીકળી પડે છે. ઉત્તરાખંડ ગયલા પિતા-પુત્રને અલગારી પ્રવાસી કેતકી મહેતા (આરોહી પટેલ)નો ભેટો થાય છે. અને શરૂ થાય છે એક અનોખો મનોરંજક પ્રવાસ.
ચાલ જીવી લઇએની મોજ-મસ્તી જોવા ક્લિક કરો
ચાલ જીવી લઇએ બાદ હવે લઈને આવશે લવ સ્ટોરી
ફિલ્મના લેખક-દિગ્દર્શક વિપુલ મહેતાની આ ત્રીજી ગુજરાતી ફિલ્મ છે. અગાઉ કૅરી ઑન કેસર, બેસ્ટ ઑફ લક લાલુ જેવી ફિલ્મો બનાવી ચુકેલા સર્જકની ત્રીજી ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચ્યો. ફિલ્મની સફળતાની ઉજવણી પ્રસંગે લેખક-દિગ્દર્શક વિપુલ મહેતાએ જાહેર કર્યું હતું કે તેઓ કોકોનટ મોશન પિક્ચર્સ સાથે એક ઓર ફિલ્મની તૈયારી કરી રહ્યા છે જે લવ સ્ટોરી હશે.