પ્રેમને પામવા લોકો કેવા કેવા તુક્કા લગાવતા હોય છે એ સાંભળીએ કે જોઇએ તો મગજ કામ કરતું બંધ થઈ જાય. એમાં ય મા-બાપને રીઝવવા બે પ્રેમી પંખીડા ભેંસ અને પાડાનો ઉપયોગ કરે છે એવું કોઈ કહે તો મગજ ચકરાવે ચઢી જાય. પણ ભેંસ-પાડાની આડશમાં પોતાનો હેતુ સિદ્ધ કરતા બે પ્રેમીઓની વાત આલેખતી મરાઠી ફિલ્મ ધોંડી ચમ્પ્યા – એક પ્રેમ કથાનું મુહૂર્ત તાજેતરમાં કરવામાં આવ્યું.

જ્ઞોનેશ શશીકંત ભાલેરાવ લિખિત-દિગ્દર્શિત ફિલ્મના નિર્માતા છે આદિત્ય જોશી, આલોક અરબિંદ ઠાકુર, આદિત્યા શાસ્ત્રી અને વેનેસા રૉય. ફિલ્મના મુખ્ય કલાકાર છે ભરત જાધવ, વૈભવ માંગલે, નિખિલ ચવાણ, સાયલી પાટીલ, શલાકા પવાર અને સ્નેહા રાયકર.

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે ઉમાજી અને અંકુશ. બંને એક જ ગામમાં રહેતા હોવા છતાં બંને વચ્ચે બાપે માર્યા વેર છે. એક બીજા સામે આવી ગયા તો આંખોમાંથી તણખા ઝરવા લાગે. બંને એકબીજાને આટલું ધિક્કારતા હોવા છતાં ઉમાજીનો પુત્ર આદિત્ય અને અંકુશની પુત્રી ઓવી પ્રેમમાં પડે છે. આને કારણે નાટકીય ઘટનાની સાથે રમૂજી પળો સર્જાય છે. પણ પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે ઉમાજીની ભેંસ ચમ્પ્યા એના જાની દુશ્મન જેવા અંકુશના પાડાથી ગર્ભવતી બને છે. બંને પરિવાર વચ્ચે એલઓસી જેવું ટેન્શન સર્જાય છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ હાસ્યનું હુલ્લડ સર્જાય છે. કારણ, પોતાના વડીલોને સમજાવવા યુવાન પ્રેમીઓએ જ આ કારસ્તાન રચ્યું હતું.

ફિલ્મના સર્જકના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે અને દિવાળી ટાંકણે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here