કોરોના મહામારી દરમ્યાન હૈયુ વલોવી નાખતા સમાચાર જ જોવા-વાચવા મળે છેગુજરાતી સિરીઝ ત્યારે એક ન્યુઝ એવા આવ્યા છે જેને કારણે મન મલકી ઉઠે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સર્જક અભિષેક જૈને શરૂ કરેલા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ઓહો ગુજરાતી પર 7 મેના દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર કલાકાર પ્રતિક ગાંધીની નવી ગુજરાતી વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીનું સ્ટ્રીમિંગ શરૂ થયું છે.
ગુજરાતી વેબ સિરીઝ જોવા લાયક હશે કે નહીં એવી અવઢવ અનુભવનારાઓને જણાવી દઇએ કે સિરીઝમાં તમને માત્ર ભાષાનો જ ફરક વર્તાશે, બાકી વાર્તા અને મેકિંગમાં હિન્દી સિરીઝ કરતા ક્યાંય ઉતરતી નહીં લાગે.
સાત વરસ બાદ ફરી દિગ્દર્શન કરી રહેલા અભિષેક જૈનનો મેજિક ટચ સિરીઝના પહેલાથી છેલ્લા સીન સુધી દેખાય છે. સિરીઝનું સૌથી સબળ પાસું છે પર્ફેક્ટ લોકેશન્સ અને કાસ્ટિંગ. અને એ બાધાની ઉપર છે પ્રતિક ગાંધી. પહેલાં બૂટલેગર… પછી શેરબજાર કિંગ અને હવે જુગારી તરીકે પ્રતિક ગાંધીનો લાજવાબ પર્ફોર્મન્સ. પ્રતિકે ફરી એકવાર સાબિત કરી દીધું કે ટાઇગર અભી ઝીંદા હે….
તો પિતાની ભૂમિકામાં રાગી જાનીએ જાણે જાન રેડી દીધો છે. પ્રતિકને જોવા છોકરીનો પરિવાર આવવાનો હોય છે ત્યારે બાપ કહે છે કે આ બુશકોટ પહેરી લે.. હારો લાગશે… આ એક જ ડાયલોગથી બાપ-દીકરાની કેમિસ્ટ્રીના દર્શન દિગ્દર્શકે સુંદર રીતે કરાવ્યા છે. જ્યારે બાપુની રૂઆબદાર ભૂમિકામાં પ્રશાંત બારોટનો અભિનય કાબિલેદાદ છે. તો અન્ય કલાકારોમાં બહેનનું પાત્ર ભજવતી બ્રિન્દા ત્રિવેદી, શ્રદ્ધા ડાંગર, પ્રેમ ગઢવી સહિતના તમામ કલાકાર પાસે દિગ્દર્શકે ધાર્યું કામ કઢાવ્યું છે.
સૌથી મજેદાર વાત એ છે કે મુખ્ય અને જવાબદાર પાત્રોમાં જ સિનિયર કલાકારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે બાકીના એંસી ટકા પાત્રોમાં ગામના રહેવાસીઓ પાસે અદભુત કામ કરાવ્યુ છે. જેમાં વિઠ્ઠલ સાથે પત્તા રમતા મિત્રો, વિઠ્ઠલના પિતા સાથે હુક્કા પાણી કરતા ગામના મોભીઓ જાણે અનુભવી કલાકાર હોય એ રીતે તેમની ભૂમિકા ભજવી છે.
મુકેશ સોજિત્રાની મૂળ કથા પરથી ભાર્ગવ પુરોહિતે વિઠ્ઠલ તીડીની પટકથા-સંવાદ લખ્યા છે. જૂનાગઢના લોકેશન્સને તપન વ્યાસે અદભુત રીતે કેમેરામાં કંડાર્યા છે.
અભિલાષ ઘોડા