વિશ્વવિખ્યાત સંગીતકાર અને ઑસ્કર ઍવોર્ડ વિજેતા એ. આર. રહેમાન હૉલિવુડની ફિલ્મ એવેન્જર્સઃ ઍન્ડ ગેમ સાથે સંકળાયા છે. માર્વેલ ઇન્ડિયાએ એ. આર. રહેમાન સાથે કરેલા કરાર મુજબ ત્રણ ભારતીય ભાષાઓ હિન્દી, તમિલ અને તેલુગુમાં ગીત ગાશે જે 1 એપ્રિલે રિલીઝ થશે. એવેન્જર્સ સિરીઝની ચોથી ફિલ્મ છે જે ઇંગ્લિશ ઉપરાંત હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરાશે.
હૉલિવુડની ફિલ્મોના દીવાના દુનિયાભરમાં છે અને ભારત એમાં અપવાદ નથી. માર્વેલ સ્ટુડિયોની ફિલ્મના તમામ કેરેક્ટર્સ દુનિયાભરમાં મશહૂર છે. આમ છતાં અમેરિકા બાદ સૌથી વધુ ધંધો ભારતમાં થાય છે. માર્વેલ સિરીઝની અગાઉ રિલીઝ થયેલી તમામ ફિલ્મોને દર્શકોને પસંદ પડી હતી.
એવેન્જર્સઃ ઍન્ડ ગેમનું બીજું ટ્રેલર 14 માર્ચે રિલીઝ કરાયું હતું. ફિલ્મના હિન્દી વર્ઝનના ટ્રેલરને લગભગ 70 લાખ લોકોએ જોયું છે. ટ્રેલરમાં આર્યન મૅન, કેપ્ટન અમેરિકા, બ્લેક વિડો, હૉકઆઈ, એન્ટમૅન અને થોરને દર્શાવાયા છે. આ બધા તેમના મૃત્યુ પામેલા મિત્રો અને એવેન્જર્સને પાછા લાવવા લડાઈ લડવા જઈ રહ્યા છે. ટ્રેલરમાં પહેલીવાર કેપ્ટન માર્વેલની પણ એન્ટ્રી થઈ છે.
માર્વેલ સ્ટુડિયોની કેપ્ટન માર્વેલ 8 માર્ચે રિલીઝ થઈ હતી. પહેલા જ દિવસે ફિલ્મે 13 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ પણ ભારતમાં હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુમાં રિલીઝ કરાઈ હતી. ફિલ્મનો ભારતનો અત્યાર સુધીનો બિઝનેસ 90 કરોડ પર પહોંચ્યો છે. એવેન્જર્સઃ ઍન્ડ ગેમ ભારતમાં 26 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.