હવે ધર્મેન્દ્રની ઓટીટી પર એન્ટ્રી : તાજમાં ભજવશે સલીમ ચિશ્તીની ભૂમિકા

બૉલિવુડના પીઢ કલાકાર ધર્મેન્દ્ર 87 વર્ષની ઉંમરે પણ એનર્જેટિક છે. સોશિયલ મીડિયા દ્વારા તેઓ તેમના ચાહકો સાથે સંપર્કમાં રહે છે. તેઓ ક્યારેક તેમના કામ અને લાઇફ અંગે ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા અપડેટ કરતા રહે છે. તાજેતરમાં તેઓ બિગ બૉસ 16માં પણ ગેસ્ટ તરીકે દેખાયા હતા, જેમાં તેમનો ચાર્મ અને ઠસ્સો જોવા મળ્યો હતો. જોકે હમણાં જે ન્યુઝ આવ્યા છે એ તેમના કમબેક અંગેના છે. તેમના આગામી પ્રોજેક્ટમાં કેવો લૂક હશે એ તેમણે પોતે રિવીલ કર્યો છે.

ધર્મેન્દ્રએ તેમના અપકમિંગ પ્રોજેક્ટના લૂક અને પાત્રનું નામ જણાવવાની સાથે ચાહકોના અભિપ્રાય પણ માગ્યા હતા. ફોટો શેર કરવાની સાથે તેમણે લખ્યું હતું કે, મિત્રો, હું તાજ ફિલ્મમાં શેખ સલીમ ચિશ્તીનું પાત્ર ભજવી રહ્યો છું જે સૂફી સંત છે. પાત્ર નાનું છે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આપ સર્વેના આશીર્વાદની જરૂર છે. એ સાથે કરેલા બીજા ટ્વીટમાં બીજો લૂક શેર કર્યો હતો. ફોટા સાથે તેમણે કૅપ્શનમાં લખ્યું કે, બીજો લૂક, આશા છે કે તમને પસંદ પડશે.

ફોટામાં ધર્મેન્દ્રનો લૂક એવો છે કે તમે ઓળખી પણ નહીં શકો. માથા પર પાઘડી, કાળી શાલ અને ચોગા પહેરેલા ધર્મેન્દ્ર એકદમ મૌલના જેવા દેખાય છે. પહેલી નજરે તો તેમને ઓળખવા મુશ્કેલ છે. જાણવા મળ્યા મુજબ તાજમાં નસીરુદ્દીન શાહ પણ હશે જેઓ અકબરનું પાત્ર ભજવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજ : ડિવાઇડેડ બાય બ્લડ એક વેબ સિરીઝ છે જેમાં મોગલ શાસકોની આંતરિક વાતો પર આધારિત છે. ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી અનારકલીનું તો અસીમ ગુલાટી સલીમનું પાત્ર ભજવી રહ્યા છે. આ સિવાય તનાન શાહ, ઝરીના વહાબ, રાહુલ બૉસ સહિત અન્ય કલાકારો નજરે પડશે. આ ફિલ્મથી ધર્મેન્દ્ર ઓટીટી પર ડેબ્યુ કરશે. આ ઉપરાંત ધર્મેન્દ્ર આલિયા ભટ્ટ અને રણવીર સિંહની રૉકી ઔર રાની કી પ્રેમ કહાની અને શાહિદ કપૂર અને ક્રીતિ સેનનની રોમાન્ટિક કૉમેડી ફિલ્મમાં પણ જોવા મળશે.

Exit mobile version