લગન હોય કે મેરેજની સિલ્વર-ગોલ્ડન જ્યુબિલીનો અવસર હોય ત્યારે પરિવારજનો પ્રસંગ ધામધૂમથી ઉજવે એ સમજી શકાય. પરંતુ રંગેચંગે પરણ્યા બાદ પતિ-પત્ની વચ્ચે વિખવાદ થયા અને વાત છૂટાછેડા સુધી પહોંચે, અને બંને ડિવોર્સ પણ ધામધૂમથી લેવાનું નક્કી કરે અને એની કંકોત્રી છપાવે એવું કદી સાંભળ્યું છે ખરૂં? હા, જિતુ મહેતા લિખિત નિમેષ શાહ નિર્મિત અને સ્વપ્નિલ બારસકર દિગ્દર્શિત નાટક છૂટાછેડાની કંકોત્રી લઈને આવ્યું છે.
નાટકના મુખ્ય પાત્ર દિલમર અને રાજના ભાંગવાની અણીએ આવેલા લગ્નજીવનને કેવી રીતે બચાવવા એ માટે બંનેના કુટુંબીજનો કેવા કેવા રસ્તાઓ-નુસખાઓ અજમાવે છે એની વાત આલેખવામાં આવી છે. નમ્રતા પાઠક, જતિન જાની, કલ્પના શાહ, હેમેન ચૌહાણ અને જિતુ મહેતા જેવા કલાકારો ધરાવતા નાટકની કથા કંઇક આ મુજબ છે.
બેજવાબદાર રાજ દરેક કામ પર્ફેક્શનથી કરવામાં માનતી દિલમરના પ્રેમમાં પડે છે અને લગ્ન પણ કરી લે છે. બે વિરોધીભાષી સ્વભાવ ધરાવનાર વ્યક્તિનાં લગ્ન થાય તો શું થાય? નાના પાયેથી શરૂ થયેલી વાતો ધીરે ધીરે મોટું સ્વરૂપ પકડે છે અને વાત પહોંચે છે છૂટાછેડા સુધી. વાત જ્યારે એકદમ વણસે છે ત્યારે વડીલોએ એન્ટ્રી કરવી પડે છે. રાજ અને દિલમરના વડીલો તેમનાં સંતાનોનું લગ્નજીવન બચાવવા મેદાનમાં આવે છે.
શરૂઆતમાં વડીલો બંને સાથે સમજાવટથી કામ લેવાના પ્રયાસો કરે છે પણ બંને તેમના નિર્ણયમાંથી ટસના મસ થવા તૈયાર નથી. ત્યારે વડીલો ચાણક્યની ચાલ ચાલે છે. બંનેના વાલિઓ ખરે નક્કી કરે છે કે જો બંને સાથે રહી જ શકે એમ ન હોય તો રાજીખુશી છૂટા પડો. પણ, એ માટે સિસ્ટમેટિક પ્રોસેસ કરવી પડશે. આ પ્રક્રિયા એટલે લગ્નની જેવી જ ધામધૂમથી ઉજવાતી પ્રોસેસ. રાજ-દિલમર તૈયાર થાય છે અને અહીંથી શરૂ થાય છે છૂટાછેડાની કંકોત્રીની ધમાલ. જોકે આ ધમાલ પાછળ રહેલી લાગણીઓ-સંવેદનાઓ આંખો ભીની કરાવવાની સાથે એકબીજાને ઓળખવાનું પણ કામ કરે છે.
છૂટાટેડાની કંકોત્રી – છૂટા પડવું છે? તો પડો ધામધૂમથી
