પાનીપતમાં ઝીનત અમાનની એન્ટ્રી

૮૦ના દાયકાની ગ્લેમર ગર્લ તરીકે વિખ્યાત અભિનેત્રી ઝીનત અમાન લાંબા અરસા બાદ એક ઐતિહાસિક પાત્રમાં જાવા મળશે. અર્જુન કપૂર અને સંજય દત્તી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ પાનીપતમાં ઝીનત એક ખાસ ભૂમિકામાં દેખાશે. આશુતોશ ગોવારિકરે એમના પ્રોડક્શન હાઉસના સોશિયલ મીડિયા પેજ પર ફોટા સાથે આ જાણકારી આપી છે.

ફિલ્મમાં ઝીનત સકીના બેગમની ભૂમિકા ભજવી રહી છે. સકીના એના પ્રાંતનુ પ્રતિનિધિત્વ કરે છે અને રાજનીતિથી દૂર એના રાજ્યની સીમામાં રહે છે. પાનીપતના ત્રીજા યુદ્ધમાં જ્યારે પેશવા એની પાસે મદદ માગવા જાય છે ત્યારે એણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ગોવારિકરે જણાવ્યું હતું કે આ મારા માટે સન્માનીય અને પ્રશંસક તરીકે ખાસ ક્ષણ છે કે તેઓ ઝીનત અમાનને દિગ્દર્શિત કરશે. વરસો પહેલાં ગોવારિકરે ઝીનત અમાન સાથે એક કલાકાર તરીકે ૧૯૮૯માં આવેલી અનંત બલાનીની ફિલ્મ ગવાહીમાં કામ કર્યું હતું.

પાનીપતમાં અર્જુન કપૂર સાથે સંજય દત્ત અને ક્રીતિ સેનનની પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ પાનીપતની ત્રીજી લડાઈ  પર આધારિત છે જે સદાશિવરાવ ભાઉના નેતૃત્ત્વવાળા મરાઠા સામ્રાજ્ય અને અફઘાનિસ્તાનના રાજા અહમદ શાહ અબ્દાલીની સેના સાથે લડાઈ હતી. ૧૪ જાન્યુઆરી ૧૭૬૧માં પાનીપતમાં લડાઈ થઈ હતી જેને ૧૮મી સદીમાં લડાયેલી સૌથી ભયાનક લડાઈમાંની એક માનવામાં આવે છે. આશુતોષ ગોવારિકર દિગ્દર્શિત ફિલ્મને ૬ ડિસેમ્બર ૨૦૧૯ના રિલીઝ કરાશે.

Exit mobile version